Sukhdev Singh: સુખદેવસિંહની હત્યા મામલે રાજવી પરિવારો રોષે ભરાયા, આજે દાંતા બંધનું એલાન, ન્યાય માટે કરશે જંગી રેલી
ગઇ 5મી ડિસેમ્બરે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં બે હુમલાખોરોએ તેમને તેમના જ ઘરમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી
Sukhdev Singh Gogamedi Murder: ગઇ 5મી ડિસેમ્બરે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં બે હુમલાખોરોએ તેમને તેમના જ ઘરમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી, આ પછી મર્ડર કેસ મામલો ગરમાયો હતો અને કરણી સેનાએ જયપુર બંધ આપ્યુ હતુ, ઠેર ઠેર કરણી સેના અને રાજપુત સમાજ સંગઠન દ્વારા આંદોલન અને ધરમા, રેલી કરવાામાં આવી રહી છે, આના પડઘા રાજસ્થાનની સાથે સાથે ગુજરાતમાં પણ પડી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં આજે કરણી સેના અને રાજપૂત સંગઠન દ્વારા દાંતા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. આ પહેલા સુખદેવસિંહની હત્યાને લઇને અમીરગઢ, ઈકબાલગઢ સહિતના ગામો સજ્જડ બંધ રહ્યાં હતા.
મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનની સાથે સાથે હવે ગુજરાતમાં પણ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કેસના પડઘા પડી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં રાજપૂત સમાજ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યાં છે. આજે આ કેસને લઇને આજે દાંતા બંધનું આપવામાં એલાન આપવામાં આવ્યુ છે. આજે રાજપૂત સંગઠન દ્વારા દાતા બંધનું એલાન આપવામાં આવ્યુ છે, એટલુ જ નહીં શહેરમાં આઝાદ ચોકથી મેઇન બજાર થઈને પ્રાંત કચેરી સુધી રાજપૂત સમાજ દ્વારા મોટી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ રેલી બાદ પ્રાંત કચેરીમાં આ હત્યા મામલે આવેદનપત્ર પણ આપવામાં આવશે. ખાસ વાત છે કે, સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં જિલ્લામાં મોટી સંખ્યામાં રાજવી પરિવારના રાજપૂત સમાજ ભાઇઓ તથા આજુબાજુના ગામડાંના લોકો આ રેલીમાં જોડાશે.
ગુજરાતમાં ઠેક ઠેકાંણે વિરોધ પ્રદર્શન -
રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા બનાસકાંઠામાં પણ પડ્યા હતા. હત્યાના વિરોધમાં અમીરગઢ અને ઈકબાલગઢની બજારો સજ્જડ બંધ રહી હતી. તો કરણી સેના અને રાજપૂત યુવા સંગઠને ધાનેરા બંધનું પણ એલાન આપ્યું હતુ. સવારથી જ ધાનેરામાં વેપારીઓ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખી હતી. કરણી સેના અને રાજપૂત યુવા સંગઠન રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપશે. અમીરગઢ અને ઇકબાલગઢના વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.
નોંધનીય છે કે ગઇકાલે પણ ગુજરાતમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ વિરોધ પ્રદર્શનો થયા હતા. ઉલ્લેખનીય છે કે સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. ગુજરાતમાં કરણી સેના રોડ પર ઉતરી છે અને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
સુરતમાં કરણી સેના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને હત્યારાઓને કડક સજા થાય તેવી માંગણી કરી છે. તો બીજી તરફ રાજકોટમાં પણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પણ આ મામલે લડાયક મૂડમાં છે. રાજકોટના કરણી સેનાના અધ્યક્ષ આશાબા વાઘેલાએ કહ્યું હતું કે સુખદેવસિંહની જિંદગી ખતરામાં હતી તેઓ જાણતા હતા અને તેમણે પોલીસ પ્રોટેકશન પણ માંગ્યુ હતું પરંતુ પોલીસે પ્રોટેકશન ન આપ્યું, રાજકોટ રાષ્ટ્રીય કરણી સેના હત્યાની ઘટનામાં તાત્કાલિક ન્યાય મળે તેવી માંગણી કરી રહી છે.
દાંતીવાડાનું પાંથાવાડા પણ ગઇકાલે સજ્જડ બંધ રહ્યું હતું. તમામ વેપારીઓ અને ક્ષત્રિય સમાજના લોકોએ રેલી કાઢી ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. બનાસકાંઠાના સમર્થકોએ હત્યારાને તાત્કાલિક કડક સજા મળે અને પરિવારના ન્યાય મળે તેવી માંગણી કરી હતી.
જયપુરના માનસરોવરમાં મેટ્રો માસ હોસ્પિટલની સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સંબોધિત કરતી વખતે ગોગામેડીની પત્ની શીલા શેખાવતે ધરણા ખત્મ થયાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પોલીસે 72 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાનું લેખિત આશ્વાસન આપ્યું છે.
નોંધનીય છે કે ગોગામેડીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં બુધવારે રાત્રે મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આજે સુખદેવ સિંહના મૃતદેહને તેમના વતન ગોગામેડી લઈ જવામાં આવશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પોલીસે હરિયાણામાંથી બે લોકોની ધરપકડ કરી છે.
હત્યાની તપાસ માટે એસઆઇટી બની
સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. ડીજીપીએ એડીજી ક્રાઈમના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી છે. સુખદેવસિંહની મંગળવારે તેમના નિવાસસ્થાને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગોગામેડી હત્યા કેસની સઘન તપાસ માટે DGP ઉમેશ મિશ્રાએ SITની રચના કરી હતી. આ SITની રચના એડીજી ક્રાઈમ દિનેશ એનએમની દેખરેખ હેઠળ કરવામાં આવી છે. વળી, મોટા સમાચાર એ છે કે ગોગામેડી હત્યા કેસમાં બે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. FIR નોંધાતાની સાથે જ બંને આરોપીઓ પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવશે. આરોપીઓ વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
હત્યાનો સીસીટીવી વીડિયો થઇ રહ્યાં છે વાયરલ
સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ સાથે જોડાયેલા કેટલાક વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. પહેલા સીસીટીવી વીડિયોમાં જોવા મળે છે કે સુખદેવ સિંહ ગોગામેડી તેમના ઘરે સોફા પર બેઠા છે. તેમની સામે ત્રણ લોકો બેઠા હતા. ત્યાં એક વ્યક્તિ ઉભો હતો. વાતચીત દરમિયાન અચાનક સામે બેઠેલા બંને લોકોએ પોતાની પિસ્તોલ કાઢી અને ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરી રહેલા બે લોકોએ ગોગામેડી તેમજ ત્યાં હાજર અન્ય બે લોકો પર ગોળીબાર કર્યો હતો. પરંતુ વીડિયો જોતા સ્પષ્ટ થાય છે કે તેમનું નિશાન મુખ્યત્વે ગોગામેડી હતું. કુલ એક ડઝનથી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની ગોગામેડીને નિશાન બનાવી હતી.