Rain: બિપરજોય વાવાઝોડાથી બનાસકાંઠામાં તારાજી, ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા
બનાસકાંઠા જિલ્લા પર પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી
કચ્છ અને સૌરાષ્ટ્ર પરથી બિપરજોય વાવાઝોડુ પસાર થઇ ગયું છે. વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.
બનાસકાંઠા જિલ્લા પર પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. જિલ્લાના સરહદીય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા.ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. થરાદના ભડોદર સહિતના વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દ્વારકા-મોરબીમાં કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હતા. તોફાનમાં 22 લોકો ઘાયલ થયા હતા. તોફાનના કારણે ભાવનગરમાં બે લોકોના મોત થયા છે. ગુજરાતમાં 490 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. વાવાઝોડાના કારણે કચ્છ જિલ્લામાં સૌથી વધુ ચાર તાલુકામાં વીજ પુરવઠો બંધ થયો હતો. વાવાઝોડાનાં કારણે અબડાસામાં 78 , લખપતમાં 58 , નખત્રાણામાં 46 અને ભુજ તાલુકામાં 115 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે આજે અને આવતીકાલે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે. આગામી ચાર દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. શુક્રવારે (16 જૂન) સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ યથાવત રહેશે. તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે.
અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી
કચ્છ જિલ્લાના જખૌ અને માંડવી પાસે કેટલાય વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા, જ્યારે ઘરના બાંધકામમાં વપરાતા શેડ પણ ઉડી ગયા હતા. દ્વારકામાં ઝાડ પડવાથી ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે જેમને સારવાર આપવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ, નેશનલ ડિઝાસ્ટર ફોર્સ અને આર્મીની ટીમો દ્વારકાના વિવિધ ભાગોમાં ઉખડી ગયેલા વૃક્ષોને હટાવવાનું કામ કરી રહ્યા છે.
સેનાએ ભૂજ, જામનગર, ગાંધીધામ તેમજ નલિયા, દ્વારકા અને માંડવીમાં અનેક સ્થળોએ 27 રાહત ટીમો તૈનાત કરી છે. વાયુસેનાએ વડોદરા, અમદાવાદ અને દિલ્હીમાં એક-એક હેલિકોપ્ટર તૈયાર રાખ્યું છે. નેવીએ બચાવ અને રાહત માટે ઓખા, પોરબંદર ખાતે 10-15 ટીમો તૈનાત કરી છે, જેમાં પ્રત્યેકમાં પાંચ ડાઇવર્સ અને તરવૈયાઓનો સમાવેશ થાય છે. IMDના અમદાવાદ યુનિટના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ચક્રવાતની તીવ્રતા ઓછી થવા છતાં શુક્રવારે જોરદાર પવન ફૂંકાશે.