સાંસદ પરબત પટેલે ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર, પાકિસ્તાનના હિંદુઓને ભારતની નાગરિકતા આપવાની કરી માંગ
બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો
પાલનપુરઃ બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો અને પાકિસ્તાનથી હરિદ્વારના વિઝા પર આવેલા પાકિસ્તાની હિંદુઓને ભારતની નાગરિકતા આપવા માટેની માંગ કરી હતી. સાંસદે માંગ કરી હતી કે 10થી 12 પરિવારના 64 પાકિસ્તાની નાગરિકને ભારતનું નાગરિકતા આપવામાં આવે.
તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું કે આ તમામ લોકો મૂળ બનાસકાંઠાના વતની છે અને 1947ના ભાગલા બાદથી પાકિસ્તાનમાં વસવાટ કરે છે. આ પરિવારજનો 2019માં હરિદ્વાર વિઝા પર ભારત આવ્યા છે અને હાલ સરહદી વાવ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. વર્ષ 2024માં તેમના વિઝા પૂર્ણ થઈ રહ્યા છે. જેથી તેમના વિઝા પૂર્ણ થાય તે પહેલા ભારતની નાગરિકતા મળે તેવી સાંસદ પરબત પટેલ તરફથી માંગ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે થોડા સમય પહેલા સ્થાનિક ઠાકોર સમાજના આગેવાનોએ પણ સાંસદ પરબત પટેલને પાકિસ્તાનથી આવેલા ઠાકોર સમાજના લોકોને ભારતીય નાગરિકત્વ આપવા રજૂઆત કરી હતી.