Bharuch News: ભરૂચમાં મોડી રાત્રે પથ્થરમારો, ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા વચ્ચે અથડામણ
Bharuch Stone Pelting News: ગુજરાતમાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. ગુજરાતના સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ વધુ એક કોમી ઘર્ષણની ઘટના હવે ભરૂચથી સામે આવી છે
Bharuch Stone Pelting News: ગુજરાતમાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. ગુજરાતના સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ વધુ એક કોમી ઘર્ષણની ઘટના હવે ભરૂચથી સામે આવી છે. ગઇ રાત્રે ભરૂચમાં બે કોમનાા ટોળા વચ્ચે અથડામણ સર્જાઇ હતી. બે કોમના ટોળા ધાર્મિક ઝંડા લગાવવાની બાબતે આમને સામને આવ્યા હતા, બાદમાં પથ્થરમારો થયો હતો. હાલમાં પોલીસે આ ઘટનામાં 10 લોકોની ધરપકડ કરી લીધી છે.
ભરૂચમાં બનેલી ઘટનાની વિગતો એવી છે કે, ભરૂચમાં કુકરવાડામાં આવેલા ગોકુળનગર નજીક બે કોમના ટોળાના લોકો વચ્ચે ધાર્મિક તહેવારોની ઉજવણી માટે ઝંડા લગાવવા બાબતે ઘર્ષણ સર્જાયુ હતુ. ધાર્મિક ઝંડા લગાવવા મામલે તકરાર થતાં બન્ને કોમો વચ્ચે મોડી રાત્રે પથ્થરમારો અને તોડફોડ જેવી ઘટનાઓ ઘટી હતી. અથડામણ દરમિયાન 2 લોકો ઈજાગ્રસ્ત થયાની પણ જાણકારી મળી રહી છે. ઘટના બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે ઉતરી આવ્યો હતો અને 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલમાં સમગ્ર કુકરવાડા વિસ્તારમાં પોલીસનું જબરદસ્ત રીતે કૉમ્બિંગ ચાલુ છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં સ્થિતિ પર કાબુ મેળવ્યો છે.
આ પહેલા સુરતમાં પણ થયું હતુ તોફાન, પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં
બે દિવસ પહેલા ગુજરાતમાં સુરતમા પણ તોફાની તત્વો દ્વારા પથ્થરમારાની ઘટના સામે આવી હતી. મોડી રાત્રે થયેલા તોફાન બાદ હાલમાં સ્થિતિ અંકુશમાં આવી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, રવિવારે મોડી સાંજે સુરતમાં સૈયદપુરા વિસ્તારના ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા બાદ સ્થિતિ વણસી હતી. રાતભર પોલીસે કરેલા પ્રયાસથી સુરતના તમામ વિસ્તારોમાં શાંતિ છે. ત્રણ સગીરોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યાનો આરોપ લાગ્યો હતો. પથ્થરમારા બાદ ગુસ્સે થયેલા લોકોએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સતત એક કલાક સુધી ગણેશ ભક્તોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરત પોલીસે પાંચ પથ્થરબાજો સહિત 25 અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે.
કેટલાક લોકોએ વાહનોમાં તોડફોડ કરી આગજનીનો પણ પ્રયાસ કર્યો હતો. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના અને સતર્કતા સાથે પોલીસે સ્થિતિ સંભાળી હતી. શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ નિર્દેશ આપ્યા હતા. 1 હજાર જેટલા પોલીસ કર્મચારીઓએ સૈયદપુરા સહિતના વિસ્તારોમાં રાતભર કોમ્બિંગ કર્યું હતું. પથ્થરબાજો ધરપકડથી બચવા માટે દરવાજો લોક કરીને ઘરમાં છૂપાયા હતા. પોલીસે ઘરના તાળા તોડીને તોફાનીઓની અટકાયત કરી હતી. સ્થિતિ અંકુશમાં આવ્યા બાદ રાત્રિના બે વાગ્યે હર્ષ સંઘવી ગણેશ પંડાલ પર પહોંચ્યા હતા. હર્ષ સંઘવી, સુરતના મેયર અને પોલીસ કમિશનરે મોડી રાત્રે આરતી કરી હતી.
આ પણ વાંચો
Surat: સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડ