નવસારીમાં પૂર્વ પ્રેમીનું કારસ્તાન: લગ્નમાં મળેલી ગીફ્ટ ખોલતા જ થયો બ્લાસ્ટ
વાંસદાના મીંઢાબારી ગામમાં લગ્નમાં ત્યારે અફરાતફરી મચી ગઈ જયારે લગ્ન પ્રસંગમાં ભેટમાં મળેલા રમકડાને ચેક કરતા તેમા બ્લાસ્ટ થયો. જ્યારે ભેટમાં મળેલ રમકડાને ચાર્જ કરવા ગયા ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો.
નવસારી: વાંસદાના મીંઢાબારી ગામમાં લગ્નમાં ત્યારે અફરાતફરી મચી ગઈ જયારે લગ્ન પ્રસંગમાં ભેટમાં મળેલા રમકડાને ચેક કરતા તેમા બ્લાસ્ટ થયો. જ્યારે ભેટમાં મળેલ રમકડાને ચાર્જ કરવા ગયા ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 28 વર્ષીય વરરાજા લતેશ ગાવીત અને તેનો 3 વર્ષનો ભત્રીજો જીયાન ગાવીત ગંભીર રીતે ઘાયલ થયા છે.
વરરાજા લતેશ ગાવીતને હાથ, માથા અને મોઢા પર ગંભીર ઇજા થઈ છે. જબરદસ્ત થયેલા બ્લાસ્ટમાં લતેશનો ડાબા હાથનો પંજો કાંડામાંથી છૂટો પડી ગયો છે. બંને આંખોમાં પણ ગંભીર ઇજા થતાં નવસારીની આંખની હોસ્પિટલમાં રીફર કરાયો છે. આ ઉપરાંત તેના ભત્રીજા જીયાનને પણ માથામાં ગંભીર ઇજા થતાં ખોપડીમાં ફેક્ચર થયું છે. આ ગીફ્ટ મોટી દિકરી સાથે લીવ ઇનમાં રહેતા પૂર્વ પ્રેમી કંબોયા રાજુ પટેલે મોકલાવી હતી. આ ઘટના બાદ પરિવારે વાંસદા પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.
ભાજપ વિરુદ્ધ ભાજપ: મહિલા કોર્પોરેટરે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો તો બીજા કોર્પોરેટના પતિએ કર્યો હુમલો
ઊંઝા: નગરપાલિકાના ભાજપનાં મહિલા સદસ્યએ ભાજપના જ કોર્પોરેટર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. વાત મારમીટ સુધી પહોંચી ગઈ છે. ભાજપનાં મહિલા સદસ્યએ કહ્યું કે, મે ભ્રષ્ટાચાર રોકવાની કોશિશ કરી જેના કારણે મારા પર હુમલો કરવામાં આવ્યો છે.
મહેસાણાના ઊંઝા નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટર પર થયેલ હુમલાને મુદ્દે ભોગ બનનાર ભાજપ મહિલા કોર્પોરેટર કામિનીબેન સોલંકીએ ભાજપ શાસિત નગરપાલિકાના સદસ્યો સામે ગંભીર આરોપો લગાવ્યા છે. કામિનીબેને કહ્યું કે દૂધ કમિટીમાં ભ્રષ્ટાચાર થતો હતો જેને લઈ મે ભ્રષ્ટાચાર રોકવા અવાજ ઉઠાવ્યો હતો જેની અદાવત રાખી પાલિકાના દૂધ કમિટીનાં ચેરમેન પ્રિયંકાબેન પટેલના પતિએ મારા પર હુમલો કર્યો છે.
મે નગર પાલિકામાં થતો ભ્રષ્ટાચાર રોકવા માટે અવાજ ઉઠાવ્યો હતો જેના કારણે મારા પર અવાર નવાર ખોટા આક્ષેપો કરી મને સસ્પેન્ડ કરવા માટે તજવીજ કરી હતી. હુમલામાં ઘાયલ મહિલા કોર્પોરેટર મહેસાણાની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે આ મામલે કામિનીબેન સોલંકીએ ભાજપના મહિલા કોર્પોરેટર પ્રિયંકાબેન પટેલનાં પતિ સહિત ચાર લોકો સામે એક્રોસિટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી છે.