વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યો આદિવાસી સમાજનું અપમાન કરવાનો આરોપ, ૨૫ ટકા વસ્તીની કલાને અવગણના કરાઈ.

Chaitar Vasava tribal artist controversy: ગુજરાત વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવાના મુદ્દે ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો છે. તાજેતરમાં આ મામલે એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં આદિવાસી સમુદાયના કલાકારોને આમંત્રણ ન આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમુદાયનું અપમાન કરાયું હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
કલાકારોને વિધાનસભામાં આમંત્રણ આપવાના મુદ્દે અગાઉ પણ વિવાદ થયો હતો, અને હવે આદિવાસી કલાકારોને આમંત્રણ ન આપવાના કારણે આ વિવાદે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાં પણ મોટા ગજાના અને પ્રતિભાશાળી કલાકારો છે, જેમની કલાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મળી છે. તેમ છતાં, વિધાનસભા દ્વારા તેમને આમંત્રણ ન આપવું એ આદિવાસી સમુદાયનું સીધું અપમાન છે.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની કુલ વસ્તીના ૨૫ ટકા જેટલો હિસ્સો આદિવાસી સમાજનો છે. તેમ છતાં, વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આ સમાજના કલાકારોને અવગણવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, જે ખૂબ જ દુઃખદ છે. તેમણે કહ્યું કે વિધાનસભાના અધ્યક્ષ પાસેથી આવી અપેક્ષા ન હતી અને આદિવાસી સમાજના કલાકારોને ન બોલાવવાથી સમગ્ર સમાજને મન દુઃખ થયું છે.
આમંત્રણ વિવાદ વચ્ચે વિક્રમ ઠાકોરની વિધાનસભામાં હાજરી પર સસ્પેન્સ યથાવત્
થોડા દિવસો અગાઉ વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપવાના કારણે સર્જાયેલો વિવાદ યથાવત્ છે. વિક્રમ ઠાકોર સહિત ૧૦૦થી વધુ કલાકારોને ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં, બુધવારે માત્ર ૧૫ જેટલા કલાકારોએ હાજરી આપી હતી, જ્યારે વિક્રમ ઠાકોર ગેરહાજર રહ્યા હતા. આજે (ગુરુવારે) વિધાનસભાના અંતિમ દિવસે વિક્રમ ઠાકોર હાજરી આપશે કે કેમ તે અંગે સસ્પેન્સ યથાવત્ છે.
આ આમંત્રણ વિવાદ વચ્ચે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વિક્રમ ઠાકોરને વિનંતી છે કે તેઓ વિવાદને બાજુ પર રાખીને વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે અંતિમ દિવસે હાજરી આપે. તેમણે કહ્યું કે વિક્રમ ઠાકોર પ્રેક્ષક દીર્ઘામાં બેસીને સમગ્ર કાર્યવાહી નિહાળી શકે છે અને લોકશાહીની સમજણ કેળવવાના ઉમદા આશયથી તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું સૂચન હતું કે લોકશાહીની સમજણના ઉમદા આશયથી કલાકારોને આમંત્રણ પાઠવવામાં આવે. તેથી તેમની ઇચ્છા છે કે વિક્રમ ઠાકોર આજે (ગુરુવારે) અંતિમ દિવસે કોઈપણ વિવાદ વિના વિધાનસભામાં હાજર રહે.
આજે રંગમંચ દિવસ હોવાથી ૧૦૦૦થી વધુ કલાકારોને ગૃહની કામગીરી નિહાળવા માટે વિધાનસભા ગૃહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, આમંત્રણ હોવા છતાં વિક્રમ ઠાકોરની નારાજગી યથાવત્ હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે ૧૫થી વધુ કલાકારોએ ગૃહની કાર્યવાહી નિહાળી હતી, ત્યારે આજે અંતિમ દિવસે કયા કલાકારો આવે છે તે જોવું મહત્ત્વનું રહેશે. વિધાનસભા દ્વારા કલાકારો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.





















