Navratri 2021: નવરાત્રી દરમિયાન અંબાજી અને પાવાગઢ મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર
આસો નવરાત્રી નિમિતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાલિકા મંદિર ટ્રસ્ટ તરફથી સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે.
અંબાજી માતાના ભક્તો માટે મોટા સમાચાર આવ્યા છે. નવરાત્રી દરમિયાન અંબાજીમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો સુદ એકમથી સવારે 7.30 થી 8 સુધી આરતી તેમજ સવારે 8 થી 11.30 સુધી દર્શન થઇ શકશે. જ્યારે બપોરે 12 વાગ્યે રાજભોગ અને 12.30 થી 4.15 સુધી દર્શન થઇ શકશે. જ્યારે સાંજે 6.30 થી 7 આરતી અને 7 થી રાત્રે 9 સુધી દર્શનનો લાભ ભક્તો લઈ શકશે. આસો સુદ એકમને સવારે 10.30 થી 12.30 ઘટસ્થાપન થશે. જ્યારે આસો સુદ આઠમને સવારે 6 વાગ્યે આરતી થશે અને સવારે 11.10 વાગ્યે ઉત્થાપન થશે. વિજયા દશમીએ સાંજે 6 વાગ્યે પૂજન થશે.
પાવાગઢ મંદિરના દર્શનમાં ફેરફાર
આ તરફ યાત્રાધામ પાવાગઢ મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આસો નવરાત્રી નિમિતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાલિકા મંદિર ટ્રસ્ટ તરફથી સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 7 ઓક્ટોબરથી મંદિરના દ્વાર સવારે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. પાંચમ, આઠમ અને પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે 4 વાગે ખુલશે. મહત્ત્વનું છે કે, પાવાગઢમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીનાં દર્શને આવે છે.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં ગઈકાલેકોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 22 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,762 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલેકોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. ગઈકાલે 5,65,747 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 172 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 169 નાગરિકો સ્ટેબલ છે. 8,15,762 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, ગઈકાલેકોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 4, ભાવનગર 1, સુરત 1, વડોદરા કોર્પોરેશનમાં 1, વલસાડમાં 1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે.