(Source: Poll of Polls)
ગુજરાતમાં કોંગ્રેસનો રકાસ: 22 નગરપાલિકામાં ખાતું પણ ન ખુલ્યું, જુઓ લિસ્ટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન, અમુક પાલિકામાં એક બેઠક જીતી નાક બચાવ્યું
Congress Gujarat election defeat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસ માટે ફરી એકવાર નિરાશાજનક ચિત્ર રજૂ કર્યું છે. રાજ્યની 68 નગરપાલિકાઓમાંથી 62 પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ભવ્ય વિજય થયો છે, જ્યારે કોંગ્રેસ માત્ર એક નગરપાલિકા જીતવામાં સફળ રહી છે. વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો દેખાવ અત્યંત નબળો રહ્યો હતો. શહેર હોય કે ગામડું, કોંગ્રેસને દરેક જગ્યાએ પછડાટ મળી છે.
સૌથી ચિંતાજનક બાબત એ રહી કે, રાજ્યની 22 નગરપાલિકાઓમાં તો કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. આ નગરપાલિકાઓમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી, જે પક્ષની નબળી સ્થિતિ દર્શાવે છે.
આ 22 નગરપાલિકાઓ જ્યાં કોંગ્રેસ શૂન્ય પર રહી:
મહુધા, હાલોલ, ભચાઉ, કુતિયાણા, કરજણ, રાણાવાવ, મહેમદાવાદ, આંકલાવ, ધરમપુર, કોડીનાર, ખેડા, ઓડ, ઝાલોદ, જામ જોધપુર, બાંટવા, ચલાલા, જાફરાબાદ, ડાકોર, દ્વારકા, રાજુલા
જોકે, કેટલીક નગરપાલિકાઓમાં કોંગ્રેસે એકાદ બેઠક જીતીને થોડું નાક બચાવ્યું હતું. માણસા નગરપાલિકામાં કુલ 28 બેઠકોમાંથી ભાજપે 27 બેઠકો જીતી, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર એક બેઠક આવી.
અન્ય નગરપાલિકાઓમાં કોંગ્રેસનું પ્રદર્શન આ પ્રમાણે રહ્યું:
છોટા ઉદેપુર: 28 બેઠકોમાંથી ભાજપ 8, કોંગ્રેસ 1, અને અન્ય 19 બેઠકો.
તલોદ: 24 બેઠકોમાંથી ભાજપ 22, કોંગ્રેસ 1, અને અન્ય 1 બેઠક.
ચકલાસી: 28 બેઠકોમાંથી ભાજપ 16, કોંગ્રેસ 1, અને અન્ય 11 બેઠકો.
વલસાડ: 44 બેઠકોમાંથી ભાજપ 41, કોંગ્રેસ 1, અને અન્ય 2 બેઠકો.
હળવદ: 28 બેઠકોમાંથી ભાજપ 27, કોંગ્રેસ 1 બેઠક.
આ પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાતમાં કોંગ્રેસને જમીની સ્તરે ફરીથી સંગઠન મજબૂત કરવાની અને લોકોનો વિશ્વાસ જીતવાની તાતી જરૂરિયાત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલો આ રકાસ કોંગ્રેસ માટે એક ગંભીર સંકેત છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની આ જીત ઘણી રીતે મહત્વપૂર્ણ છે:
કોંગ્રેસના ગઢમાં ગાબડું: ભાજપે કોંગ્રેસના મજબૂત ગણાતા વિસ્તારોમાં જીત મેળવીને કોંગ્રેસના પાયાને હચમચાવી દીધો છે.
જનતાનો વિશ્વાસ: આ જીત દર્શાવે છે કે લોકો હજુ પણ ભાજપ પર વિશ્વાસ મૂકી રહ્યા છે અને પાર્ટીની નીતિઓ અને કાર્યક્રમોને સમર્થન આપી રહ્યા છે.
આગામી ચૂંટણીઓ માટે સંકેત: આ પરિણામો આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓ માટે ભાજપ માટે સકારાત્મક સંકેત છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની આ ભવ્ય જીત કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે, જ્યારે ભાજપ માટે ઉજવણીનો અવસર છે. આ પરિણામો ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો સર્જી શકે છે.
આ પણ વાંચો....
ગુજરાત પાલિકા ચૂંટણીમાં પાંચ મોટા અપસેટ: રાજકીય સમીકરણો બદલાયા





















