મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી કરાઈ, તબિયત સુધારા પર
ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીની તબિયત બગડી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીની તબિયત લથડી હતી.
અમદાવાદ: ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીની તબિયત બગડી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીની તબિયત લથડી હતી. નાશિક ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને હાર્ટ અટેક આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેમને નાસિકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. નાસિકની હોસ્પિટલમાં તેમની એન્જીયોપ્લાસ્ટ સર્જરી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.
કોંગ્રેસ પક્ષની જવાબદારી વહન કરતા પૂર્વ વિપક્ષ નેતા શ્રી @paresh_dhanani જી ની નાશિક ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે શ્રીજી હોસ્પિટલ, મુંબઈ નાકા, નાસિક ખાતે ખસેડાયા.
— Gujarat Congress (@INCGujarat) October 29, 2024
તબિયત સ્થિર છે.
તાત્કાલિક પુનઃ સ્વસ્થતાની પ્રાર્થના. pic.twitter.com/l1Drk6OqZs
ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં જણાવાયું છે કે, 'પરેશ ધાનાણીની નાસિક ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે નાસિકની શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા. જ્યાં તેમની તબિયત સ્થિર છે.'
કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીના જણાવ્યા અનુસાર, તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. જોકે, હાલ પરેશ ધાનાણીની તબિયત એકદમ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. એક દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. AICC સચિવ અનંત પટેલ હોસ્પિટલ પર પહોંચ્યા હતા.
ગત લોકસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ તરફથી રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર હતા. ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા સામે તેમની હાર થઈ હતી. આ ચૂંટણીમાં પરષોતમ રૂપાલાની જંગી બહુમતીથી જીત થઇ હતી.
કોંગ્રેસ પક્ષની જવાબદારી વહન કરતા શ્રી પરેશ ધાનાણી ની નાગપૂર ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે શ્રીજી હોસ્પિટલ, મુંબઈ નાકા, નાસિક હોસ્પિટલમાં ખસેડાયા.
— Jagdish Thakor (@jagdishthakormp) October 29, 2024
એન્જીયોપ્લાસ્ટ કરવામાં આવેલ છે, તબિયત સ્થિર છે.
@paresh_dhanani જી પુનઃ સ્વસ્થતાની પ્રાર્થના.
#GetWellSoon pic.twitter.com/STfL058PcR
ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદિશ ઠાકોરે પણ એક્સ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી. તબિયત બગડતાં તાત્કાલિક સારવાર કરાઈ હતી. એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે, હાલ તબિયત સ્થિર છે. તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.
પરેશ ધાનાણી વર્ષ 2000માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.કોમની ડિગ્રી મેળવ્યા પછી સમાજસેવાના હેતુ સાથે રાજકારણમાં જોડાયા હતા. પ્રથમ ચૂંટણી તેમણે અમરેલીથી લડી હતી. રાજકોટમાં કોલેજકાળથી એનએસયુઆઈ સાથે જોડાઈ ગયેલા પરેશ ધાનાણી વર્ષ 2001માં અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા.