ગુજરાતમાં કોરોનાને એક વર્ષ પૂર્ણ, 19 માર્ચે રાજકોટ અને સુરતમાં નોંધાયા હતા પ્રથમ કેસ
જુન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં કોરોનાના કેસમા સતત વધારો થતો રહ્યો છે.
રાજ્યમાં કોરોનાના પગપેસારાના આજે એક વર્ષ પૂર્ણ થયું છે. 19 માર્ચે ગુજરાતમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે ત્યારે પ્રેસ કોંફ્રેસ કરીને સુરત અને રાજકોટમાં કોરોનાના દર્દી નોંધાયા હોવાની માહિતી આપી હતી. બાદમાં મે મહિનાથી રાજ્યમાં કોરોનાના કેસની ગતિ વધી હતી.
ત્યારથી લઈને અત્યાર સુધી સૌથી ઓછા કેસ ફેબ્રુઆરી મહિનામાં 8349 નોંધાયા હતા. જ્યારે સૌથી વધુ કેસ વર્ષ 2020 સપ્ટેમ્બર માસમાં 40 હજાર 959 કેસ નોંધાયા હતા. કોરોનાની સારવાર દરમિયાન વર્ષ 2020 મે મહિનામાં જ સૌથી વધુ 824 દર્દીઓના જ્યારે જુન મહિનામાં 810 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. ત્યાર બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો રહ્યો.
જુન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં કોરોનાના કેસમા સતત વધારો થતો રહ્યો છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કોરોનાનું રાજ્યમાં સંક્રમણ થોડુ શાંત પડ્યુ. કોરોનાના કેસમાં પણ સતત ઘટાડો થવા લાગ્યો હતો. દરરોજના 200 જેટલા કેસ નોંધાવા લાગ્યા હતા. પરંતુ ત્યારે જ મહાનગર પાલિકાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓએ કરેલ રેલી, તમાશાએ ફરીથી
કોરોનાના આમંત્રણ આપ્યુ.
અમદાવાદમાં ક્રિકેટ મેચે એ જ કોરોનાને વધુ વકરવા માટેની એક તક આપી અને માર્ચ મહિનામાં ફરીથી કોરોનાના સંક્રમણમાં સતત વધારો થવા લાગ્યો. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના કેસમાં 1122 જેટલા નોંધાયા હતા અને ફક્ત માર્ચ મહિનાના 17 દિવસમાં જ કોરોનાના નવા 11 હજાર 284 પોઝિટીવ કેસ નોંધાયા છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 1122 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. ગઈકાલે 775 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,71,433 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.54 ટકા પર પહોંચ્યો છે. હાલ 5310 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 લોકો વેન્ટિલેટર પર અને 5249 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4430 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે અત્યાર સુધી કુલ 2,81,176 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 315, અમદાવાદ કોર્પોરેશનમાં 264, રાજકોટ કોર્પોરેશનમાં 88, વડોદરા કોર્પોરેશનમાં 97, સુરતમાં 38, રાજકોટ-24, ભરુચ-21, મહેસાણા-19, જામનગર કોર્પોરેશન -18, ખેડા-18, પંચમહાલ-18, વડોદરા-17, ભાવનગર કોર્પોરેશન-15, ગાંધીનગર કોર્પોરેશન-14, કચ્છ-14, આણંદ-13, દાહોદ-12, નર્મદા-12, ગાંધીનગર-10, સાબરકાંઠામાં 10, છોટા ઉદેપુર-9, અમરેલી-8, જુનાગઢ કોર્પોરેશ-8, મહીસાગર-8, મોરબી-8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા.