(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, 12થી 14 જૂન વચ્ચે ટકરાઈ શકે છે, જાણો ક્યા વિસ્તારને સૌથી વધુ અસર થશે
વાવાઝોડાની શરૂઆત દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા નજીક હોવાનું અનુમાન છે.
Cyclone Threat Over Gujarat: રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે બે દિવસથી તોફાની પવન સાથે રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ તોફાની વરસાદનું તાંડવ યથાવત રહેવાનું છે. ત્યારે હવે બીજા એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પર 12થી 14 જૂન દરમિયાન વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. નિષ્ણાંતોએ તો ત્યાં સુધી દાવો કર્યો કે આ વાવાઝોડું પોરબંદરથી નલિયા વચ્ચે ટકરાશે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. 7 જૂન આસપાસ લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની શરૂઆત દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા નજીક હોવાનું અનુમાન છે. ત્યારે 12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. તો દરિયાકિનારે 50થી 100 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન છે. જો છેલ્લી ઘડીએ વાવાઝોડું ફંટાઈ જાય તો પાકિસ્તાનના કરાંચી તરફ જઈ શકે છે.
ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. કેમ કે, 40 કિમીની ઝડપે પવન ફૂંકાતા રહેશે. તો રવિવારે રાજ્યના 131 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ પૈકી 30 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથેના વરસાદના કારણે અલગ અલગ સ્થળો પર કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારે સવારે સાડા છ વાગ્યા આસપાસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જે બાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથેના વરસાદના કારણે અનેક ઠેકાણે નુકસાનીની સમાચાર સામે આવ્યા છે. ગામડાઓથી લઈને શહેરોમાં કાચા મકાનોના પતરા ઉડ્યા હતા તો અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. તો ખેતરોમાં ઉનાળું વાવેતરને ભારે નુકસાન પહોંચ્યુ છે.
કેરળમાં આજે ચોમાસાની એન્ટ્રી નહીં
કેરળમાં ચોમાસાની એન્ટ્રીને હજુ પણ લાગી શકે છે ત્રણથી ચાર દિવસનો સમય. આ અનુમાન લગાવ્યુ છે ભારતીય હવામાન વિભાગે. પહેલા અનુમાન હતુ કે, કેરળમાં આજે ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થશે અને ગાજવીજ સાથે વરસાદ વરરશે. પરંતુ નવા અપડેટ પ્રમાણે હજુ પણ ત્રણથી ચાર દિવસનો સમય લાગી શકે છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે કેરળમાં પહેલી જૂનના રોજ આવે છે અને તે સાત દિવસ વહેલું અથવા સાત દિવસ મોડું હોઈ શકે છે. વૈજ્ઞાનિકો પ્રમાણે ચોમાસાની શરુઆતમાં આ વિલંબથી દેશમાં ખરીફ વાવણી અને કુલ વરસાદને અસર થવાની સંભાવના નથી.