દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા રમેશ ભાભોરના પુત્ર વિજયની કરતૂતના કારણે પુનઃ મતદાનના આદેશ અપાયા છે. 220 નંબરના બુથ પર હવે શનિવારે એટલે કે સાત મેના રોજ ફરીથી મતદાન થશે.
Lok Sabha Election 2024: દાહોદ લોકસભા ક્ષેત્રમાં મતદાન દરમિયાન થયેલી ગડબડીને ઉજાગર કરતા એબીપી અસ્મિતા સહિતાના માધ્યમોના અહેવાલની જોરદાર અસર પડી છે. લોકસભા અંતર્ગત આવતા સંતરામપુરના પરથમપુરા ગામના બુથ નંબર-220 પર ફરીથી મતદાનના કેન્દ્રીય ચૂંટણી પંચે આદેશ આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા રમેશ ભાભોરના પુત્ર વિજયની કરતૂતના કારણે પુનઃ મતદાનના આદેશ અપાયા છે. 220 નંબરના બુથ પર હવે શનિવારે એટલે કે 11 મેના રોજ ફરીથી મતદાન થશે.
એ બુથ પરના તમામ મતદારો સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ફરી મતદાન કરી શકશે. મંગળવારે મતદાન દરમિયાન વિજય ભાભોરે બુથ પરનું ઈવીએમ કેપ્ચર કર્યુ હતુ. એટલું જ નહીં ઈન્સ્ટાગ્રામ પર વિજય ભાભોરના આ નબીરાએ તેનું લાઈવ પણ કર્યુ હતું. જો કે નેતા પુત્રની આ કરતૂતની મીડિયામાં જોરદાર ચર્ચા પણ થઈ છે. સાથે જ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે પુનઃ મતદાનની પણ માગ કરી હતી. ચૂંટણી પંચના આદેશ બાદ સ્થાનિક ચૂંટણી અધિકારીએ તપાસ અહેવાલ રજૂ કર્યો જેના આધાર પર ફરીથી મતદાન યોજાવા જઈ રહ્યુ છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં વિજય ભાભોર અને મગન ડામોર નામના શખ્સની ધરપકડ કરી છે.
નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ગયું છે. આ ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 લોકસભા સીટ અને 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. ગુજરાતની 26 લોકસભા સીટમાંથી 1 સીટ સુરત બિન હરીફ જાહેર થયા બાદ 25 સીટ પર મતદાન થયું છે. આ મતદાનના ફાઈનલ આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યાં છે. ચૂંટણી પંચ અનુસાર રાજ્યમાં સરેરાશ મતદાન 59.51 ટકા રહ્યું છે. જેમાં સૌથી વધુ મતદાન વલસાડ સીટ પર 72.24 ટકા રહ્યું છે જ્યારે સૌથી ઓછું અમરેલી સીટ પર 49.44 ટકા રહ્યું છે.
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજયના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઇ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ઉમેર્યું હતું કે, રાજયના 25 સંસદીય મતવિભાગોના 49,140 મતદાન મથકો પૈકી 1,820 મતદાન મથકોમાં 2 BUs નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન સાંજના 5.00 કલાક સુધીમાં 116 એટલે કે 0.23 % BU, 114 એટલે કે 0.23 % CU અને 383 એટલે કે 0.78 % VVPAT બદલવામાં આવ્યા હતા. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં ત્વરિત EVMના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.