(Source: Poll of Polls)
રૂપાલાએ માફી માગી છતાં ચોક્કસ ગેંગ મોદી અને હિન્દુ ધર્મ વિરૂદ્ધ કાવતરું કરે છે: કલ્પેશ પટેલની પોસ્ટથી વિવાદ
પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજનો આક્રોશ ખાળવા એક તરફ ભાજપ અથાગ પ્રયાસ કરી રહ્યું છે.
Loksabha Chunav 2024: ક્ષત્રિય સમાજના રૂપાલા સામેના વિરોધ વચ્ચે વડોદરા ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલની પોસ્ટ વિવાદ થયો છે. કલ્પેશ પટેલે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી અને લખ્યુ કે, રૂપાલાએ માફી માગી છતાં ચોક્કસ ગેંગ મોદી અને હિન્દુ ધર્મ વિરૂદ્ધ કાવતરું કરે છે. વધુ તમાશો કરી આડકતરી રીતે મોદી અને હિન્દુ વિરુદ્ધ કાવતરું કરનારને ગુજરાતની જનતા ઓળખી લે, આ ગેંગ હિન્દુ અને મોદીની મહેનત પર પાણી ફેરવી રહી છે. સાચો ક્ષત્રિય હિન્દુ અને મોદીજી સાથે છે. આ પોસ્ટ વાઇરલ થતાં વિવાદ વકર્યો હતો. જેના પગલે કોર્પોરેટરે પોસ્ટ ડિલીટ કરી માફી માગતાં લખ્યું કે, ભૂલથી પોસ્ટ મુકાઇ હતી. સોશિયલ મીડિયાની ગેરસમજથી પોસ્ટ મૂકવા અંગેની ભૂલ થયેલ છે. ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ હોય તો તે બદલ દિલગીરી વ્યક્ત કરું છું. જો કે, આ પોસ્ટ મૂક્યા બાદ અંતે તે પોસ્ટને પણ કલ્પેશ પટેલે ડિલીટ કરી હતી.
પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજનો આક્રોશ ખાળવા એક તરફ ભાજપ અથાગ પ્રયાસ કરી રહ્યું છે. તો બીજી તરફ ભાજપના જ કેટલાક બોલબચન નેતાઓ બળતામાં ઘી હોમી રહ્યા છે. રૂપાલાના નિવેદનની ચારેયકોર ટિકા થઈ રહી છે. ખુદ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે માફી માગી છે. જો કે રૂપાલાની ઉમેદવાર તરીકે દુર કરવાની માગણી સાથે વિરોધ યથાવત છે ત્યારે વડોદરા ભાજપના કાર્પોરેટર કલ્પેશ પટેલે વિવાદાસ્પદ પોસ્ટ સોશલ મીડિયા પર કરી છે. વિરોધને તમાશો ગણાવી હિન્દુ વિરોધી કાવતરૂ ગણાવતી પોસ્ટ મુકીને આ કોર્પોરેટરે બિનજરૂરી વિવાદ સર્જ્યો છે. જો કે ત્યાર બાદ આ પોસ્ટને તેને ડિલિટ પણ કરી છે. સૌથી મોટો સવાલ એ છે કે ભાજપનો આ નેતા જે ખુદ સોશલ મીડિયા પર દુનિયાભરનો ડ્રામા ઉભો કરે છે તેની સામે કોણ પગલા લેશે. પોસ્ટ મુકીને ઝેર ફેલાવવું સમાજના લોકોને દર્દ આપવું અને પછી માફી માગવી આ કોર્પોરેટર કલ્પેશને કોણ અને ક્યારે સમજાવશે.