Dahod News: દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો
દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો છે. મળતી જાણકારી અનુસાર, દાહોદના સુવિધા વિનાના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં બેદરકારી દાખવી એક જ કલાકમાં 30 મહિલાના કુંટુંબ નિયોજનના ઓપરેશન કરી દેવાયા હતા. એક કલાકમાં જ 30 મહિલા કુટુંબ નિયોજનના ઓપરેશન કરાયાનો આરોપ લાગ્યો છે. સરકારી તબીબ ન હોવાથી ખાનગી ડોક્ટરને બોલાવી ઓપરેશન કરાવાયા હતા. બેડના અભાવે એક બેડ પર બે-બે મહિલાઓને રાખવામાં આવી હતી. ઓપરેશન બાદ સ્ટ્રેચરના અભાવે મહિલાઓને ચાલતા લઈ ગયાનો આરોપ લાગ્યો છે. ઓપરેશન માટે મહિલાઓએ સાંજ સુધી રાહ જોવી પડી હતી.
સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંજેલી અને સિંગવડની મહિલાઓ માટે કુંટુંબ નિયોજન ઓપરેશન કેમ્પમાં તબીબી માર્ગદર્શિકાઓ અને પાયાની સુવિધીઓની ગંભીર અવગણના જોવા મળી હતી. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેપ્રોસ્કોપી મશીન સુવિધા છે. પરંતુ ગાયનેક તબીબ સંજેલી જ નહીં જિલ્લાની સરકારી હોસ્પિટલમાં પણ નથી. જેથી ખાનગી ગાયનેક તબીબનો સહારો લેવો પડે છે. હોસ્પિટલ પ્રશાસનની બેદરકારીને કારણે મહિલાઓને ઓપેરેશન પહેલા લાંબી રાહ જોવાનો વારો આવ્યો હતો.
હોસ્પિટલ પ્રશાસનની ગંભીર બેદરકારીના કારણે મહિલાઓને ઓપરેશન પછી પણ પૂરતી કાળજી રખાઈ ન હતી કે સુવિધાઓ પણ મળી ન હતી. મહિલાઓ અને પરિવારો સવારે 9 વાગ્યે કેમ્પના સ્થળે પહોંચી ગયા હતાં. પરંતુ તબીબ સમયસર હાજર ન થતા લગભગ સાત કલાક સુધી રાહ જોવી પડી હતી. આ દરમિયાન નાના બાળકોને શાંત રાખવા માટે સાડીઓ બાંધીને ઝૂલા બાંધવામાં આવ્યા હતાં. આટલું જ નહીં મોડે મોડે તબીબ આવ્યા બાદ એક કલાકના ટૂંકા ગાળામાં 30 મહિલાના કુટુંબ નિયોજનના ઓપરેશન પાર પાડી દેવાયા હતાં.




















