સોમનાથ મંદિરમાં ભક્તો હવે 4-D ટેક્નોલોજી દ્વારા સ્વયં શિવલિંગ પર જળાભિષેક કરી શકશે
સોમનાથ મંદિર (Somnath Temple)ના ગર્ભગૃહમાં પૂજારી સિવાય કોઇને પ્રવેશ કરવાની પરવાનગી નથી.
સોમનાથ (Somnath Temple) મંદિરમાં હવે 4-ડી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થયો છે. મંદિરમાં ભક્તો સ્વયં શિવલિંગ પર જળાભિષેક કરતા હોય તેવું અનુભવાશે. રાજકોટની સ્માર્ટ ટેક વર્ચ્યુઅલ વિઝન પ્રા. લિમીટેડે તરફથી આ સુવિધા ઉભી કરવામાં આવશે. શ્રાવણ માસના અંતિમ દિવસે 4-ડી પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સોમનાથ મંદિર (Somnath Temple)ના ગર્ભગૃહમાં પૂજારી સિવાય કોઇને પ્રવેશ કરવાની પરવાનગી નથી. જેથી સામાન્ય ભાવિકો સોમનાથ મહાદેવના શિવલિંગને સ્વહસ્તે જળાભિષેક કરી શકતા નથી. ત્યારે ભાવિકો સ્વહસ્તે સોમનાથના શિવલિંગ પર જળાભિષેક કરતા હોય તેવી અનુભૂતિ કરી શકે તે માટે ખાસ વર્ચ્યુઅલ 4-ડી પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે.
સોમનાથ મંદિર પરિસરમાં આવેલા ક્લોકરૂમની બાજુના એક રૂમમાં આ સુવિધા માટે જરુરી વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. આ સુવિધા માટે કોઈ ચાર્જ નક્કી કરવામા આવ્યો નથી. ભાવિકે જળાભિષેક કરતા હોય તેવો ફોટો યાદગીરી રૂપે મેળવવા માટે રૂપિયા 150નો ચાર્જ ચુકવવાનો રહેશે.
શું છે નવા પ્રોજેક્ટની વિશેષતા
સોમનાથ મહાદેવ (Somnath Temple)ના શિવલિંગ પર ભાવિકો સ્વહસ્તે જળાભિષેક કરી શકે તે માટે 4 ડી પ્રોજેકટ એક હજાર સ્કવેર ફીટની જગ્યાવાળા રૂમમાં કાર્યરત કરાયેલ છે. રૂમમાં 360 ડીગ્રીની સુવિઘાવાળો હાઇ રીઝોલ્યુશનની સુવિઘાવાળો કેમેરો, એક મોટી ટીવી સ્ક્રીન અને એક કળશ ગોઠવી મંદિરના ગર્ભગૃહ જેવો સેટ ઉભો કરવામાં આવેલ છે. જેમાં સામેની દીવાલમાં રખાયેલ ટીવી સ્ક્રીનમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ અને શિવલીંગ દર્શાવતી તસ્વીર હશે જેની આગળ નીચે જમીનમાં એક કળશ રાખવામાં આવેલ છે. કળશથી સાઇડમાં થોડે દૂર ઉભી ભાવિકો જળાભિષેક કરશે ત્યારે તેમનું જળ નીચે રખાયેલ કળશમાં જશે પરંતુ 360 ડીગ્રીની સુવિઘાવાળા કેમેરામાં તે ર્દશ્ય શિવલીંગ પર જળાભિષેક થતુ હોય તેવું કેદ થશે. આમ, 4 ડી ટેકનીક થકી શિવભકતો સ્વહસ્તે સોમનાથના શિવલિંગ પર જળાભિષેક કરતા હોય તેવી અનુભૂતિ કરી શકશે.