Gandhinagar: લગ્નમાં જમણવાર બાદ 100 લોકોને ઝાડા ઊલટીની અસર
ગાંધીનગરમાં લગ્નના જમણવાર બાદ 100 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ છે. સેક્ટર 24માં ગઈકાલે સાંજે લગ્નના રિસેપ્શનમાં ભોજન લીધા બાદ મોડી રાત્રે 100 લોકોને ઝાડા ઊલટીની અસર થઈ હતી.
ગાંધીનગર: ગાંધીનગરમાં લગ્નના જમણવાર બાદ 100 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ છે. સેક્ટર 24માં ગઈકાલે સાંજે લગ્નના રિસેપ્શનમાં ભોજન લીધા બાદ મોડી રાત્રે 100 લોકોને ઝાડા ઊલટીની અસર થઈ હતી. તાત્કાલિક તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે, મોટા ભાગના લોકોને રજા આપી દેવાઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગાજરનો હલવો ખાધા બાદ તમામની તબિયત લથડી હતી.
કલોલમાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા હતા
કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયો હતો. અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના દર્દીઓનો આંકડો 200થી વધુ નોંધાયો છે. જેને પગલે રોગચાળાને કાબુમાં લેવા ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર સફાળુ દોડતુ થયુ હતું. કલોલના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીના રોગચાળા સંદર્ભે લેવાયેલા અટકાયતી પગલાં અંગે જિલ્લા કલેકટરે સમીક્ષા કરી હતી અને તાત્કાલિક જરૂરી પગલાં ભરવા સંબંધિતોને સૂચના આપી હતી.
કલોલના પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં ઝાડા, ઉલટી તેમજ પેટમાં દુ:ખાવાની ફરિયાદવાળા કેસ નોંધાતા મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ સેન્ટર-1 કલોલ અને તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા રૂબરૂ તપાસ કરાઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા સાત સર્વે ટીમ દ્વારા આ વિસ્તારના 683 ઘરોનો સર્વે કરાયો છે. તેમજ ગટરના ત્રણ લીકેજ શોધી તેની તાત્કાલિક મરામત પણ કરવામાં આવી હતી.
કલોલમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ગટરનું ગંદુ પાણી પાઈપલાઈન સાથે મિક્સ થઇ જવાથી ઝાડા ઉલટીના કેસો સામે આવ્યા હતા. કલોલ પૂર્વમાં દુષિત પાણીની સમસ્યાની લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. પૂર્વમાં આવેલ શ્યામ હાઈટ્સ તેમજ દીવડા તલાવડી પાસે ગટરનું પાણી ઉભરાઈને તળાવ બની ગયું છે તેવી નગરસેવકે રજૂઆત કરી હતી. જોકે તેને ધ્યાનમાં લેવાઈ નહોતી. આ બાદ ફરીથી રજૂઆત કરવામાં આવતા અઠવાડિયા પછી પંપ મૂકી પાણીના નિકાલ કરવાની વ્યવસ્થા કરાઈ હતી. જોકે ત્યાં સુધી દૂષિત પાણીને કારણે અનેક લોકો ઝાડા ઉલટીની ઝપેટમાં આવી ગયા હતા.
ચીફ ઓફિસરને નગરસેવક દ્વારા સ્થળ પર આવીને રુબરુ સફાઈનું જણાવવામાં આવ્યું હતું. બાદમાં એજન્સીઓ મારફતે ગટર સહીતની સફાઈ હાથ ધરવામાં આવી હતી. જોકે આ દરમિયાન નગરપાલિકા દ્વારા કોઈ કર્મચારી હાજર રહેતા ન હોવાનું સામે આવ્યું છે. નગરસેવકે આક્ષેપ લગાવ્યો હતો કે પાલિકા દ્વારા સફાઈ મામલે કોઈ ઠોસ કામગીરી કરવામાં આવતી નથી. નિયમિત સફાઈ થાય તો રોગચાળાની સ્થિતિ વધે નહી.