Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી આ તારીખથી અતિભારી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં ફરી 26 જુલાઇથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે.

Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલ હળવાથી મધ્યમ છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે, ગુજરાત પર વરસાદ લાવતી જે સિસ્ટમ સર્જાઇ હતી તે હવે પાકિસ્તાન તરફ ફંટાઇ ગઇ હોવાથી ગુજરાતમાં આજથી વરસાદનું જોર હવે ઘટી જશે. જો કે બંગાળની ખાડીમાં હાલ ઘનઘોર વાદળો છવાયેલા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં હજુ એક સિસ્ટમ આકાર લઇ રહી છે જે 24 જુલાઇ સુધીમાં સર્જાશે, આ સિસ્ટમના કારણે આગામી 26 જુલાઇથી ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. આ સિસ્ટમના કારણે મધ્ય ભારતમાં ફરી વરસાદનું જોર વધશે. આગામી 26 જુલાઇથી ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન સેવાઇ રહ્યું છે.
હાલ રાજ્યમાં હળવાથી મધ્યમ છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસી રહ્યો છે. નવસારીમાં 4 કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.સુરેન્દ્રનગરમાં પણ છેલ્લા 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. સુરેંદ્રનગર શહેરમાં રાત્રિના સમયમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી સુરેંદ્રનગર શહેરમાં પાણી ભરાઇ ગયા હતા.સી.જે હોસ્પિટલ રોડ, મિલન સિનેમા રોડ ટાવર ચોક પર ભરાઇ જતાં વાહન વ્યવહાર અવરોધાયો હતો. અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા.
રાજ્યમાં સવારથી અત્યાર સુધી 19 તાલુકામાં વરસાદ વરસ્યો છે. નવસારીના 3 તાલુકામાં એકથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપોરમાં આજે 2.91 ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીના ગણદેવીમાં 1.02 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના મહુવામાં 0.87 ઈંચ, વાપીમાં 0.59 ઈંચ વરસાદ વરસ્યો છે.આજે વાપીમાં 0.59 ઈંચ, બારડોલીમાં 0.59 ઈંચ વરસાદ નોંધાયો છે.
અન્ય રાજ્યોની વાત કરીએ તો દેશના ઘણા રાજ્યો આ દિવસોમાં ભારે વરસાદના કહેરનો સામનો કરી રહ્યા છે. સૌથી ખરાબ પરિસ્થિતિ પર્વતોમાં છે જ્યાં સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. જેના કારણે પૂરનો ભય ઉભો થયો છે. આ સાથે પર્વતો પરથી સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. જેના કારણે હાઇવે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ દિવસોમાં જમ્મુ અને કાશ્મીરમાં પણ આવી જ સ્થિતિ છે. જ્યાં ભારે વરસાદને કારણે પૂરનો ભય મંડરાઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને, મંગળવારે રાજૌરી જિલ્લા વહીવટીતંત્રે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.





















