લોક ગાયીકા ગીતા રબારી ફરી એક વખત વિવાદમાં, નોંધાઈ પોલીસ ફરિયાદ
આ પહેલા દેશ વિદેશમાં પ્રસિદ્ધ અને લોકપ્રિય ગાયિકાને ઘરે જઈને રસી અપાતા વિવાદ સર્જાયો હતો.
લોકગાયીકા ગીતા રબારી વેક્સીન વિવાદ બાદ વધુ એક વખત વિવાદમાં આવી છે. કોરોના કાળમાં નિયમો નેવે મુકી ડાયરો યોજનાર ગીતા રબારી સામે ફરિયાદ નોંધાઈ છે.21-6ના રોજ ભુજના રેલડી ગામે ફાર્મ હાઉસમાં પેડી પ્રસંગે ગીતા રબારી, નિલેશ ગઢવી, લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.
ડાયરા માટે કોઈ પણ મંજૂરી લેવામાં આવી નહોતી અને 250થી વધુ લોકો હાજર રહી જાહેરનામાનું ઉલ્લંઘન કર્યું હતુ. પોલીસે ફાર્મ હાઉસના માલિક સામે પણ ગુનો નોંધ્યો છે. મહત્વનું ગીતા રબારી થોડા દિવસ પૂર્વે જ પોતાના ઘરે વેકસિન લીધી હોવાનો ફોટો વાયરલ કર્યો હતો. જે બાદ વિવાદ વકરતા તેમને ફોટો ડીલીટ કરી દીધો હતો. તો ઘરે વેક્સીન આપનાર માધાપાર પીએચસીના હેલ્થ સુપરવાઈઝરની પણ બદલી કરી દેવાઈ હતી.
દેશ વિદેશમાં પ્રસિદ્ધ અને લોકપ્રિય ગાયિકાને ઘરે જઈને રસી અપાતા વિવાદ સર્જાયો હતો. ગીતા રબારીએ ટ્વિટર મારફતે પોતાના ઘરે કોરોના સામે રક્ષણ આપતી રસી હોય તેવો ફોટો પોસ્ટ કર્યો હતો, જે બાદ વિવાદ થતા પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. પરંતુ, સમગ્ર મામલામાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ જતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા આદેશ કરવામા આવ્યા હતા. જેના પગલે સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારી રવિવાર બપોરે 12 વાગ્યા સુધી ખુલાસો માગ્યો હતો.
એક બાજુ કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા 18થી 44 વર્ષની વ્યક્તિઓ ઓન લાઈન રજિસ્ટ્રેશન માટે હેરાન પરેશાન થઈ જાય છે, રિજસ્ટ્રેશનનું લોગ ઈન થાય એ પહેલા લોગ આઉટ કરી દેવાય છે. ત્યારે બીજી તરફ સેલિબ્રિટીઓને રજિસ્ટ્રેશન વગર તેમના ઘરે જઈને રસી આપવાની સુવિધા કરી અપાયાનો કિસ્સો સામે આવ્યો છે.
ગીતા રબારી અને તેના પરિવારજનોને ઘરે જઇને વેક્સિન આપવાની સુવિધા અપાતા લોકોમાં ગુસ્સો છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે સેલિબ્રિટી છે એટલે શું ઘરે જઇને વેક્સિનની સુવિધા આપવાની? લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહે તો પણ વેક્સિન નથી મળતી?. સ્લોટ બુક કર્યા છતા વેક્સિન નથી મળતી અને આમને ઘરે બેઠા વેક્સિન?