(Source: Poll of Polls)
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
મુરુગને એવી પણ ધમકી આપી હતી કે જો કોઈ તમિલ સંસ્કૃતિનું અપમાન કરશે તો અમે તેમની જીભ કાપી નાખીશું.

MK Stalin Minister Remarks: તમિલનાડુના જળ સંસાધન મંત્રી દુરઈ મુરુગને ઉત્તર ભારતની સંસ્કૃતિ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરીને ઉત્તર-દક્ષિણ વિભાજનને વધુ ઊંડું બનાવ્યું છે. તેમણે કહ્યું કે ઉત્તર ભારતમાં સ્ત્રીઓ પાંચ કે દસ પુરુષો સાથે લગ્ન કરી શકે છે.
મુરુગને એવી પણ ધમકી આપી હતી કે જો કોઈ તમિલ સંસ્કૃતિનું અપમાન કરશે તો અમે તેમની જીભ કાપી નાખીશું. તેમના નિવેદનથી ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેના સાંસ્કૃતિક તફાવતો અંગેના વિવાદને વધુ ગાઢ બનાવ્યો છે.
તમિલનાડુના મંત્રીનું નિવેદન
એક જાહેર સભાને સંબોધતા દુરઈ મુરુગને કહ્યું કે ઉત્તર ભારતીય પરંપરાઓમાં બહુપત્નીત્વ અને બહુશાસનની પ્રથા રહી છે. તેમણે કહ્યું હતું કે, "આપણી સંસ્કૃતિમાં એક પુરુષ ફક્ત એક જ સ્ત્રી સાથે લગ્ન કરે છે. પરંતુ ઉત્તર ભારતમાં એક સ્ત્રીને ઘણા પતિ હોઈ શકે છે - ક્યારેક પાંચ કે દસ પણ. તેવી જ રીતે ઘણા પુરુષો એક સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે. આ તેમની પરંપરા છે."
તેમણે મહાભારતની દ્રૌપદીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે"જો એક જાય છે તો બીજું તેનું સ્થાન લે છે," તેમનું નિવેદન સીમાંકન વિવાદના સંદર્ભમાં આવ્યું છે, જેમાં તમિલનાડુ સરકારને ડર છે કે નવી વસ્તી ગણતરીના આધારે સંસદીય બેઠકોમાં ઘટાડો થઈ શકે છે.
સીમાંકન વિવાદ અને વસ્તી નિયંત્રણ મુદ્દો
સીમાંકનના મુદ્દા પર બોલતા મંત્રી મુરુગને કહ્યું કે કોંગ્રેસ અને અન્ય કેન્દ્ર સરકારોએ દક્ષિણ ભારતીય રાજ્યોને વસ્તી નિયંત્રણનું પાલન કરવા કહ્યું હતું, જેનો તેમણે સફળતાપૂર્વક અમલ કર્યો. પરંતુ ઉત્તર ભારતમાં વસ્તી ઝડપથી વધી છે. તેમણે આરોપ લગાવ્યો કે "ઉત્તર ભારતના પરિવારોમાં 17, 18 કે 19 બાળકો હોય છે જાણે તેમની પાસે બીજી કોઈ જવાબદારીઓ જ ન હોય."
તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ડીએમકે સાંસદો પરની ટિપ્પણી પર પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું, "આ દુર્ગંધયુક્ત સંસ્કૃતિમાંથી આવતા તમે અમને અસંસ્કારી કહી રહ્યા છો? અમે તમારી જીભ કાપી નાખીશું. સાવચેત રહો."
દક્ષિણ ભારતમાં સીમાંકન અંગે વધતી ચિંતા
તમિલનાડુ સહિત દક્ષિણ ભારતીય રાજ્યોને ડર છે કે જો નવી વસ્તી ગણતરીના આધારે સંસદીય બેઠકોનું પુનર્વિતરણ કરવામાં આવશે, તો તેમનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે. હાલમાં, સંસદમાં બેઠકોની ફાળવણી 1971ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવે છે. દક્ષિણ ભારતીય રાજ્ય માને છે કે તેમણે કેન્દ્રની વસ્તી નિયંત્રણ નીતિઓનો કડક અમલ કર્યો, જેના કારણે તેમનો વસ્તી વૃદ્ધિ દર ઓછો રહ્યો. તેનાથી વિપરીત ઉત્તર ભારતીય રાજ્યોની વસ્તી ઝડપથી વધી છે. આવી સ્થિતિમાં જો સીમાંકન થાય છે તો દક્ષિણના રાજ્યોને બેઠકોમાં ઘટાડોનો સામનો કરવો પડી શકે છે જેનાથી તેમનો રાજકીય પ્રભાવ ઓછો થઈ શકે છે.





















