યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
દેશભરમાં હોળીની તૈયારીઓ વચ્ચે સુરક્ષા સઘન, અનેક રાજ્યોમાં વિશેષ નિયંત્રણો લાગુ.

Holi 2025 namaaz timing UP: દેશભરમાં આવતીકાલે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે, ત્યારે આ વખતે હોળી અને રમઝાનનો મહિનો એકસાથે આવતા અનેક રાજ્યોમાં વિશેષ તૈયારીઓ અને નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં જ્યાં નમાઝના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો હૈદરાબાદમાં જાહેર સ્થળોએ બળજબરીથી રંગ લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં પણ હોળીની ઉજવણી પર નિયંત્રણો છે.
ઉત્તર પ્રદેશમાં હોળી અને શુક્રવારની નમાઝને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. શાહજહાંપુર, સંભલ અને અલીગઢ સહિત અનેક જિલ્લાઓમાં મસ્જિદોને આવરી લેવામાં આવી છે. આ સાથે જ રાજ્યના 14 જિલ્લાઓમાં નમાઝના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ જિલ્લાઓમાં શાહજહાંપુર, સંભલ, જૌનપુર, મિર્ઝાપુર, લલિતપુર, ઔરૈયા, લખનૌ, મુરાદાબાદ, રામપુર, અમરોહા, ઉન્નાવ, બરેલી, મુરાદાબાદ અને સોનભદ્ર તથા અયોધ્યાનો સમાવેશ થાય છે. મોટાભાગના વિસ્તારોમાં બપોરે 2.30 વાગ્યે નમાઝ અદા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હૈદરાબાદ પોલીસે હોળીના તહેવારને લઈને કેટલાક ખાસ નિયંત્રણો જાહેર કર્યા છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર, જાહેર સ્થળો પર જૂથોમાં વાહનોની અવરજવર અને કોઈની પણ મરજી વિરુદ્ધ રંગ લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસનો આદેશ છે કે રસ્તાઓ અને જાહેર સ્થળો પર શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈને અસુવિધા કે ભય ન લાગે તે માટે ટુ-વ્હીલર અને અન્ય વાહનોના જૂથોમાં ફરવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત, કોઈપણ વ્યક્તિ દ્વારા અનિચ્છનીય સ્થળોએ કે વ્યક્તિઓ પર રંગ અથવા રંગીન પાણી ફેંકવું અને રસ્તાઓ પર કોઈની ઈચ્છા વિરુદ્ધ રંગ લગાવીને તેમને પરેશાન કરવા પર પણ પ્રતિબંધ છે. આ સરકારી આદેશ 13 માર્ચની સાંજે 6 વાગ્યાથી 15 માર્ચની સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. સાથે જ, 14 માર્ચના રોજ સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રેસ્ટોરાં (સ્ટાર હોટલ અને રજિસ્ટર્ડ ક્લબના બાર સિવાય) સાથે જોડાયેલી દારૂ અને ટોડીની દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં બીરભૂમના શાંતિનિકેતનના સોનાઝુરી હાટમાં આ વર્ષે હોળીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જંગલ વિસ્તારમાં હરિયાળીને નુકસાન ન પહોંચે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોનાઝુરી હાટ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશ્વ ભારતીના શાંતિનિકેતન કેમ્પસ નજીક આવેલું છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા છે અને લોકોને ત્યાં વાહનો પાર્ક ન કરવા અથવા હોળીની ઉજવણી ન કરવા વિનંતી કરવામાં આવી છે. મુલાકાતીઓને હોળીની ઉજવણીનો વીડિયો ન બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ હોળી અને રમઝાનના શુક્રવારની નમાઝ પહેલા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અર્ધલશ્કરી દળો સાથે 25,000થી વધુ પોલીસ કર્મચારીઓ શહેરભરમાં તૈનાત રહેશે. પોલીસે 300થી વધુ સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી છે અને ડ્રોન તેમજ સીસીટીવી કેમેરાની મદદથી સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ 15 પોલીસ જિલ્લાઓને ખાસ કરીને રહેણાંક વિસ્તારો અને હોળી માટે જાણીતા સ્થળોએ પેટ્રોલિંગ વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ હોળી અને શુક્રવારની નમાઝને લઈને બે સમુદાયો વચ્ચે ચાલી રહેલા સંવાદને ધ્યાનમાં રાખીને મુસ્લિમ સમુદાયે નમાઝના સમયમાં ફેરફાર કર્યો છે. જમીયત ઉલેમા-એ-હિંદના ઉત્તરાખંડ એકમના પ્રમુખ મૌલાના આરીફ કાસમીએ જણાવ્યું કે રમઝાનમાં શુક્રવારની નમાઝ અને હોળી એક જ દિવસે હોવાથી સૌહાર્દ જાળવવા માટે નમાઝનો સમય બદલવામાં આવ્યો છે. હરિદ્વારના શહેરી વિસ્તારોમાં નમાઝ બપોરે 2.30 વાગ્યે અદા કરવામાં આવશે, જે સામાન્ય સમય કરતાં એકથી દોઢ કલાક મોડી છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં નમાઝ નિર્ધારિત સમય કરતાં એકથી દોઢ કલાક વહેલી પઢવામાં આવશે.

