15 જુલાઈથી ધોરણ 12ના વર્ગો 50 ટકા ક્ષમતા સાથે થશે શરૂ
રાજ્યમાં 15 મી જુલાઇ 2021 થી ધોરણ 12ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજ 50 ટકા કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. રાજ્યમાં 15 મી જુલાઇ 2021 થી ધોરણ 12ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજ 50 ટકા કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે.
સંસ્થાઓમાં વિદ્યાર્થિઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. જો વાલી અને વિદ્યાર્થી ઇચ્છે તો તેઓ શાળાએ જઇ શકશે. જો કે આ નિર્ણય માત્ર ધોરણ 12ના વિદ્યાર્થીઓ પર જ લાગુ પડશે. શાળામાં અન્ય કોઇ પણ ક્લાસ ચલાવી શકાશે નહી. માત્ર ધોરણ 12, કોલેજ, પોલિટેકનીક સંસ્થાઓને જ આ નિર્ણય લાગુ રહેશે. ધોરણ 1થી 11ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શકાશે નહી. તેમનું ઓનલાઇન શિક્ષણ જ યથાવત્ત રાખવાનું રહેશે. આ અંગેનો નિર્ણય સરકાર ભવિષ્યે સ્થિતિ જોઇને કરશે.
કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે, ધોરણ 12 અને કોલેજ તથા પોલિટેક્નીકના વિદ્યાર્થીઓને તેમને ઓપ્શન અપાયો છે. તેઓ ઇચ્છે તો શાળા -કોલેજમાં જઇ શકશે. તે માટે વિદ્યાર્થીના વાલીનુ સંમતી પત્રક પણ હોવું જરૂરી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થી જવા ન ઇચ્છે તો તેમનું ઓનલાઇન શિક્ષણ ચાલુ જ રાખવાનું રહેશે.
રાજ્યમાં ફરીથી ખુલશે ટ્યુશન-કોચિંગ ક્લાસ
આવતીકાલે રાજ્ય સરકારે રાજ્યમાં ટ્યુશન-કોચિંગ ક્લાસિસ ખોલવા સરકારે છૂટ આપી હતી. કોરોના સંક્રમણ ઘટતા સરકારે નિયંત્રણો હળવા કર્યા હતા. જેમાં હવે ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓ માટે રાજ્યભરમાં ચાલતા કોચિંગ ક્લાસિસ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ ક્લાસિસને 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે યોજી શકાશે.
રાજ્ય સરકારે બીજી કઈ છૂટ આપી
રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાશે. જ્યારે 10 શહેર ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, ગાંધીધામ અને વાપીને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, બજાર, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાતના 9 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. તો ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો વેક્સિનનો પહેલો ડોઝ નહીં લીધો હોય તો જે તે ધંધાકીય કે વાણિજ્યિક અથવા મનોરંજક એકમો ચાલુ રાખી શકાશે નહીં.