Gandhinagar: રાજ્યમા આજથી ખાનગી હોસ્પિટલો ડાયાલિસિસ નહીં કરે, જાણો કેમ લીધો નિર્ણય?
નેફ્રોલોજીસ્ટ એસોસિએશને આજથી 16 ઓગસ્ટ સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ડાયાલિસિસના ભાવમાં ઘટાડાને લઈ સરકાર અને ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિએશનનો વિવાદ વધુ વકર્યો છે. નેફ્રોલોજીસ્ટ એસોસિએશને આજથી 16 ઓગસ્ટ સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. સાથે જ એસોસિએશનના હોદ્દેદારોનો આરોપ છે કે PMJAYના લાભાર્થીઓને સારવાર નહીં આપો તો હૉસ્પિટલનું જોડાણ રદ કરી દેવામાં આવશે અને સરકાર પાસેથી લેવાના નીકળતા નાણા પણ અટકાવી દેવામાં આવશે તેવી ચીમકી મળી રહી છે. આ વિરોધમાં રાજ્યના કુલ 102 જેટલા તબીબો જોડાઇ સરકાર સામે વિરોધ નોંધાવશે.
આયુષ્યમાન યોજના હેઠળ ડાયાલિસિસ માટે ખાનગી હૉસ્પિટલોને બે હજાર ચૂકવામાં આવતા હતા પરંતુ તેમાં ઘટાડો કરી રકમ 1650 કરવામાં આવી છે. એટલે કે 17 ટકાનો ઘટાડો કરાયો છે.જેથી એસોસિએશને ત્રણ દિવસ ડાયાલિસિસ બંધ રાખવાની જાહેરાત કરી છે. રાજ્યમાં એક વર્ષમાં એક કરોડ 30 લાખ ડાયાલિસિસ થાય છે. જેમાંથી એક કરોડ 2 લાખ એટલે કે 78 ટકા ડાયાલિસીસ ખાનગી હૉસ્પિટલમાં કરવામા આવે છે. જેના કારણે આ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. દરમિયાન તબીબો ત્રણ દિવસ પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ રાખશે, પરંતુ માં કાર્ડ હેઠળ સારવાર નહિ કરે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં PMJAY દ્ધારા બાયપાસ સર્જરી અને ઘુંટણના સાંધા બદલવા જેવી સર્જરીમાં રૂ.10,000થી 60,000 સુધીનો વધારો મંજૂર કરાયો હતો.
ગુજરાત નેફ્રોલોજી એસોસિએશને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ પીએમ-જયના અધિકારીઓને એક મહિના પહેલા રજૂઆત કરી હતી. જે બાદ પણ કોઈ કાર્યવાહી ન કરાતા અંતે આંદોલન કરવાનો નિર્ણય લીધો હતો.
તાજેતરમાં PMJAY દ્ધારા અન્ય વિવિધ સારવારો માટે ખુબ મોટો ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો છે. જોકે ડાયાલિસિસનો ખર્ચ ઘટાડવામાં આવ્યો છે. આ અન્યાયી નીતિ સામે ગુજરાતભરના નેફ્રોલોજીસ્ટ ડોક્ટરો અને હોસ્પિટલો આગામી તા.14થી 16 ઓગષ્ટ દરમિયાન મુખ્યમંત્રી અમૃતમ (માં) હેઠળ ડાયાલિસિસ સેવા બંધ રાખી હડતાલની જાહેરાત કરી હતી. ગુજરાતમાં PMJAY અંતર્ગત અપાતા ખર્ચમાં અન્ય રાજ્યો કરતા ઘણી વિસંગતતા છે. રાજસ્થાન, છત્તીસગઢ, તથા અન્ય રાજ્યોમાં PMJAY ડાયાલિસિસના દર રૂ.2100 છે.