ગુજરાતમાં લગ્ન કરનારાં માટે આનંદના સમાચાર, જાણો રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત ?
રાજ્યમાં ગત સપ્તાહથી રાજ્ય સરકાર દ્વારા દરેક શહેર અને જીલ્લામાં રાત્રિ કર્ફ્યું હટાવી લેવામાં આવ્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં હવે પછીના સમયમાં જેમના ઘરે લગ્ન પ્રસંગ છે એવાં લોકો માટે આનંદના સમાચાર છે. ગુજરાત રાજ્ય સરકારે કોરોનાના કેસમાં જોવા મળી રહેલા ધરખમ ઘટાડાના પગલે રાજ્યમાં તમામ પ્રકારના નિયંત્રણ હટાવી લેવાની સોમવારે સાંજે જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર હવે રાજ્યમાં લગ્ન સમારોહમાં વ્યક્તિઓની હાજરી રાખવા પર કોઈ પણ પ્રકારનાં નિયંત્રણો નહીં રહે. લગ્નમાં ઈચ્છો એટલી વ્યક્તિને હાજર રાખી શકાશે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની મંજૂરી લેવાની રહેશે નહીં.
આ ઉપરાંત રાજ્યમાં હવે તમામ વિસ્તારોમાં સિનેમા હોલ પણ ફુલ કેપેસિટી સાથે ચાલુ કરી શકાશે. આ સિવાય લગ્ન પ્રસંગ, અંતિમયાત્રામાં પણ કોઈ મર્યાદા રાખી નહીં શકાય. બસ પ્રવાસ, જીમ્નેશિયમ, કોચિંગ કેમ્પ કે જાહેર મેળાવડામાં હાજરી અંગેની વ્યક્તિ મર્યાદા પણ હટાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યમાં ગત સપ્તાહથી રાજ્ય સરકાર દ્વારા દરેક શહેર અને જીલ્લામાં રાત્રિ કર્ફ્યું હટાવી લેવામાં આવ્યો છે. સોમવારે સાંજે કોરોના મુદ્દે નવી જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત અનુસાર રાજ્યમાં હવે સિનેમા હોલ, લગ્ન પ્રસંગ, અંતિમયાત્રા, બસ પ્રવાસ, જીમ, કોચિંગ કેમ્પ કે જાહેર મેળાવડા ઉપર વ્યક્તિ મર્યાદા પણ હટાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે. હવે કોઇ પણ પ્રકારની કોરોના સંબંધિત પરવાનગી વગર રાજ્યમાં દરેક પ્રસંગની ઉજવણી થશે કે લોકોને એકત્ર કરવાની છૂટ આપવામાં આવી છે.
રાજ્ય સરકારે જાહેરમાં માસ્ક પહેરવાનો નિયમ ફરજીયાત રાખ્યો છે. કામ કે મેળાવડાના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, જાહેર કે ઓફીસમાં સેનેટાઈઝરની વ્યવસ્થા રાખવી, જાહેરમાં થૂંકવા જેવા નિયમો હજુ યથાવત રાખ્યા છે. રાજ્ય સરકારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકા 31 માર્ચ 2022 સુધી અમલમાં રહેશે. એ પછી સ્થિતી અનુસાર નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. આ નવા નિયમોના કારણે રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે એવું મનાય છે.