Chhota Udepur : છોટા ઉદેપુરના તમામ 6 તાલુકાઓમાં ભારે વરસાદને કારણે તારાજી, રસ્તાઓ અને પુલ તૂટ્યા
Chhota Udepur Rain : સૌથી ખરાબ સ્થિતિ બીડેલી તાલુકાની છે. બોડેલીમાં 16 ઇંચ વરસાદ પડ્યો છે.
Rain in Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લાના સાતેય તાલુકાઓમાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. સર્વત્ર જળબમ્બાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સૌથી ખરાબ સ્થિતિ બીડેલી તાલુકાની છે. બોડેલીમાં 16 ઇંચ વરસાદ પડ્યો છે. બોડેલી સહીત જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે.
છોટાઉદેપુરના તમામ 6 તાલુકાઓમાં ભારે વરસાદ
છોટાઉપર જિલ્લા તમામ 6 તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. આજે 10 જુલાઈએ બપોરે 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઈએ તો
બોડેલી - 16 ઈંચ
પાવીજેતપુર - 10
છોટાઉદેપુર - 8.6 ઈંચ
કવાંટ - 9.1
સંખેડા - 2.7
નસવાડી - 2.2
Gujarat | A part of a bridge collapsed due to incessant heavy rainfall in Chhota Udepur district pic.twitter.com/ysOcPBiV7s
— ANI (@ANI) July 10, 2022
બોડેલીમાં આભ ફાટ્યું - 16 ઇંચ વરસાદ પડ્યો
બોડેલી પંથકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ છે. છેલ્લા ચાર કલાકમાં જ 12 ઈંચ સહિત છેલ્લા 24 કલાકમાં કુલ 16 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો. બોડેલીના ગોલા ગામડી ગામ બેટમાં ફેરવાયું છે. ગામ તરફ જવાના રસ્તા પર અનેક વાહનો ફસાઈ ગયા છે. કેટલાય વાહનચાલકોએ પાણી વચ્ચેથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરતા વાહન બંધ થઈ ગયા છે.
આ તરફ સંખેડા તરફના રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા હતાં. બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદથી અકોટાદર ગામ, ખીમલીયા, મોતીપુરા ગામ, ગોપાલપુરા, મંગલભારતી અને ગોલા ગામડીના રોડ- રસ્તા જળમગ્ન થયા.
આ ઉપરાંત પાનીયા ગામ પણ બેટમાં ફેરવાયું છે. હાલ સલામતીના ભાગરૂપે પોલીસે ગોલા ગામડી ચાર રસ્તાથી બોડેલી તરફ જવાનો રસ્તો બંધ કરાવી દીધો છે. હાલ પોલીસ બેરિકેડ લગાવી બોડેલી- છોટાઉદેપુર તરફ જવાના વાહનોને પરત મોકલી રહી છે.
બપોરે 12થી સાંજે 4 સુધીની વાત કરવામાં આવે તો ચાર કલાકમાં 12 ઈંચ વરસાદ વરસી ગયો છે. જેના કારણે સંખેડા ગામમાં ભાગોળ વિસ્તારથી લઇ બસ સ્ટેન્ડ સુધી જાણે રસ્તા ઉપર નદી વહેતી હોય એવાં દ્રશ્યો જોવા મળ્યા છે.
સંખેડા-હાંડોદ રોડ ઉપર સુંદરવન પાસે પાણી ભરાતાં રસ્તો બંધ થયો હતો જ્યારે સંખેડા વેરાઈ માતા પાસેનો રોડ પણ બંધ થયો હતો. સંખેડા ગામની ભાગોળે કોલેજ અને જલારામ મંદિરની વચ્ચેના વિસ્તારમાં પણ ખૂબ જ પાણી ભરાયું છે.