Gujarat Election 2022: BJPના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને પોલીસ પ્રોટેક્શન આપવા કરી અરજી, જાણો વિગત
Gujarat Election 2022: રાપર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાને પોલીસ પ્રોટેક્શન માટે જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધીમે ધીમે રંગ જામી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ વેરાવળમાં સભા ગજવીને પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. કચ્છના રાપરમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને પોલીસ પ્રોટેક્શન આપવા અરજી કરી છે.
રાપર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાને પોલીસ પ્રોટેક્શન માટે જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે. રાપરના કોંગ્રેસ ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાને પોલીસ રક્ષણ આપવા ખુદ ભાજપે માંગ કી છે. આ માટે રાપર ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ વડાને પત્ર લખ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયા હાર ભાળી ગયેલા હોવાથી પોતા પર જ હુમલાઓ કરાવી શકે તેવા આક્ષેપ ભાજપના ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યો છે.
શું લખવામાં આવ્યું છે લેટરમાં
ચૂંટણીના પ્રચારમાં ઉમેદવાર ભચુભાઈ આરેઠિયા અને તેમના ધર્મપત્ની જઈ રહ્યા છે ત્યારે લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. ઘણા ગામોમાં તેમને ઘેરી લીધા હોવાનું મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે. સાથે મને એવું પણ જાણવા મળ્યું છે કે ભચુભાઈ આરેઠિયા વિધાનસભા ચૂંઠમીમાં પોતાની હાર ભાળી ગયા હોય ત્યારે ગંદી રાજનીતિ રમવા પોતે જ કોઈ અસામાજિક તત્વોને ઉભા કરી પોતાના પર હુમલો કરાવી અમારા પર આક્ષેપ નાંખી અમારી છબી ખરડવાનો ગંદો પ્રયાસ કરી શકે છે. આવો કોઈ બનાવ ન બને તેમજ આવી ગંદી રાજનીતિ પણ ન થાય તે માટે તેમને 24 કલાક પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે તેવી વિનંતી કરું છું.
‘ભાજપ હિન્દુ અને મુસ્લિમ કરીને આ ચૂંટણી જીતવા માંગે છે’, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વાયરલ થયેલા વીડિયો મામલે પ્રતિક્રિયા
ગુજરાત ચૂંટણીને લઈ પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન સિદ્ધપુરના ધારાસભ્ય ચંદરજી ઠાકોરને એક વીડિયો વાયરલ થયો છે. તેને લઈ તેમણે પ્રતિક્રિયા આપી છે. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વાયરલ થયેલા વીડિયો મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, સીએમ ઓફિસથી આ પ્રકારનો વીડિયો વાયરલ થાય એ દુઃખદ બાબત છે. આ વીડિયો એડિટ કરવામાં આવેલ છે અને તદ્દન ખોટો છે, શબ્દો એડિટ કર્યા છે. જો મુખ્યમંત્રી કાર્યાલયથી આ વીડિયો વાયરલ કરવામાં આવે તો ભાજપ કેટલી હદ સુધી જઈ શકે છે. ભાજપ હંમેશા ભાઈ ભાઈ અને કોમ-કોમ વચ્ચે ઝઘડા કરાવે છે, ભાજપ હિન્દુ અને મુસ્લિમ કરીને આ ચૂંટણી જીતવા માંગે છે. ખોટી રીતે બદનામ કરવામાં આવ્યો છે, અહીંના ઉમેદવારે ફોર્મ રદ્દ કરવા માટેના પ્રયાસ કર્યા હતા.