Gujarat Assembly Election 2022: 'ગઢવીનો દીકરો કોઈ બહેન-દીકરીની આબરૂ ન લૂંટે, ઈસુદાન જીતશે તો ખભે બેસાડીશ':વિક્રમ માડમ
જામખંભાળીયાના કોગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઇસુદાન ગઢવીની પ્રશંસા કરી હતી
જામખંભાળીયાઃ જામખંભાળીયાના કોગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે જામખંભાળીયાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઇસુદાન ગઢવીની પ્રશંસા કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ કહી રહ્યા છે કે 'ગઢવીનો દીકરો કોઈ બહેન-દીકરીની આબરૂ ન લૂંટે, ઈસુદાન જીતશે તો ખભે બેસાડીશ'
કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે એક જાહેર સભામાં આમ આદમી પાર્ટીના પોતાના હરીફ ઉમેદવાર ઈસુદાન ગઢવીના પેટ ભરીને વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 'ભાજપે ઈસુદાન પર ખોટા આક્ષેપો કર્યા છે, ગઢવીનો દીકરો ક્યારેય કોઈ બહેન-દીકરીની આબરૂ લૂંટવા ન જાય.' મહત્ત્વનું છે કે સમગ્ર ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં આહીરો ગઢવીઓને ભાણેજ કહે છે.
વિક્રમ માડમે કહ્યું કે ભાજપ ઉદ્યોગપતિઓને સાથે લઈને ફોર્મ ભરાવવા આવે છે. વિક્રમ માડ઼મે ઈસુદાન ગઢવીના કથિત શરાબ પીધેલા કેસ મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ઈસુદાન ગઢવી ચારણનો દીકરો છે. ખેલદિલીથી લડીશું. જો એ જીતશે તો જાહેરમાં ખભે બેસાડીશ. વિક્રમ માડમની પ્રતિક્રિયાએ સમગ્ર દ્વારકા જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.
Gujarat Election 2022 : કૉંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી પત્ની સાથે સ્કૂટર પર નામાંકન કરવા પહોંચ્યા હતા
Gujarat Election 2022: 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે સોમવારે નોમિનેશનનો છેલ્લો દિવસ હતો. 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થવાનું છે. નોમિનેશનના છેલ્લા દિવસે અમરેલી બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરેશ ધાનાણીના નોમિનેશનમાં વાહનોનો કાફલો નહોતો જોવા મળ્યો. કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી તેમની પત્ની સાથે સ્કૂટર પર ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા.
ધાનાણી ટુ વ્હીલર પર શહેરમાં ફરે છે
પરેશ ધાનાણી ટુ-વ્હીલર પર શહેરમાં ફરવા માટે જાણીતા છે. તેઓ અનેક વખત શહેરમાં રસ્તાની બાજુની દુકાનોમાં ચા બનાવતા અને પીતા જોવા મળે છે. સામાન્ય માણસની જેમ પરેશ ધાનાણી શહેરમાં એક્ટિવા લઈને ફરતા ઘણી વખત જોવા મળે છે. પરેશ ધાનાણી ગુજરાત રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. ધાનાણી 2002, 2012 અને 2017માં અમરેલી બેઠક પરથી જીતી ચૂક્યા છે અને હવે તેઓ ચોથી વખત અહીંથી જીતવાની તૈયારી કરી રહ્યા છે