Gujarat Election 2022: ગુજરાત ચૂંટણી પહેલા ગૃહ વિભાગનો મોટો નિર્ણય, ગુજરાતના આ જિલ્લામાં બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા
Gujarat Election: ગુજરાત ચૂંટણી પહેલા ગૃહ વિભાગનો મોટો નિર્ણય, ગુજરાતના આ જિલ્લામાં બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા
Gujarat Election Update: ગુજરાત ચૂંટણી પહેલા ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે. નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ, MHA એ ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો આદેશ કર્યો છે. આ અંગેની સત્તા જિલ્લા અધિકારીને આપવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સોમવારે જારી કરાયેલ એક સૂચના દ્વારા આ માહિતી સામે આવી છે. આ સૂચના અનુસાર, ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 5, કલમ 6 હેઠળ નાગરિકતા આપવામાં આવશે. તેઓને નાગરિકતા નિયમો, 2009ની જોગવાઈઓ અનુસાર ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપવામાં આવશે અથવા તેમને દેશના નાગરિકનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
કલેક્ટર ચકાસણી કરશે
નોટિફિકેશનમાં જણાવાયું છે કે ગુજરાતના બે જિલ્લામાં રહેતા આવા લોકોએ તેમની અરજીઓ ઓનલાઈન સબમિટ કરવાની રહેશે, જે જિલ્લા સ્તરે કલેક્ટર દ્વારા ચકાસવામાં આવશે. અરજી અને તેના પરનો અહેવાલ એક સાથે કેન્દ્ર સરકારને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. કલેક્ટર જો જરૂરી જણાય તો, અરજદાર નાગરિકતા માટે યોગ્ય છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે કોઈપણ પ્રકારની તપાસ કરી શકે છે. આ માટે, જો કલેક્ટર સંબંધિત તપાસ એજન્સીને અરજી ઓનલાઈન મોકલે છે, તો એજન્સીએ તેની ખરાઈ કરવી અને તેની ટિપ્પણીઓ સાથે તપાસ પૂર્ણ કરવી જરૂરી બની જાય છે.
વિવાદોમાં રહેલા નાગરિકતા સંશોધન અધિનિયમ, 2019 (CAA) માં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ પણ છે. આ અધિનિયમ હેઠળના નિયમો હજુ સુધી સરકાર દ્વારા બનાવવામાં આવ્યા નથી, તેથી અત્યાર સુધી આ હેઠળ કોઈને નાગરિકતા આપવામાં આવતી નથી.
મોરબી દુર્ઘટના પર બાઇડેને દુખ વ્યક્ત કર્યુ
ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેના કારણે અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે તે મુશ્કેલ સમયમાં ભારતની સાથે છે. નોંધનીય છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા 100થી વધુ લોકો સારવાર હેઠળ છે.