Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Kutch Cyber Racket: કચ્છમાંથી સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ થયો છે. માહિતી પ્રમાણે, પશ્ચિમ કચ્છ-ભુજ સાયબર ક્રાઈમ સેલે રૂપિયા 105 કરોડથી વધુના સાયબર ફ્રૉડનો પર્દાફાશ કર્યો છે

Kutch Cyber Racket: દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમના કેસો સતત વધી રહ્યાં છે, હવે સિલસિલો ગુજરાતમાં પણ એક્ટિવ થઇ ગયો છે. તાજેતરમાં જ ગુજરાતના કચ્છમાંથી સૌથી મોટો સાયબર રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટમાં 1 અબજ રકમની છેતરપિંડીનો બનાવ નોંધાયો છે. આ કેસમાં પોલીસે હાલમાં એક આરોપીની અટકાયચત કરી છે અને ત્રણ સામે સાયબર રેકેટ મામલે ગુનો નોંધ્યો છે.
કચ્છમાંથી સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ થયો છે. માહિતી પ્રમાણે, પશ્ચિમ કચ્છ-ભુજ સાયબર ક્રાઈમ સેલે રૂપિયા 105 કરોડથી વધુના સાયબર ફ્રૉડનો પર્દાફાશ કર્યો છે. બેંક ખાતા ખોલાવી તેમાં છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરાવી ચેકથી ઉપાડી કમિશન મેળવનારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. આ સમગ્ર કેસ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ બેંકમાં ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રૉડથી કુલ એક અબજ પાંચ કરોડ બાર લાખ બાવન હજાર આઠસો છવ્વીસ રૂપિયા મેળવ્યા હતા. આ નાણાં ચેકથી ઉપાડી તેઓ કમિશન મેળવતા હતા. આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા આઈ.ટી. એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં આરોપી શુભમ હરિહર ડાભીની ધરપકડ કરીને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, જખૌ નજીક 11 પાકિસ્તાની માછીમાર ઝડપાયા
ગુજરાતની સંવેદનશીલ ગણાતી કચ્છની દરિયાઈ જળસીમામાં ફરી એકવાર પાકિસ્તાની બોટની ઘૂસણખોરીની ઘટના બની હતી. જખૌ નજીક ભારતીય જળ સીમામાં ઘૂસણખોરી કરનારાં 11 પાકિસ્તાની માછીમારને ઝડપી લેવામાં આવ્યા હતા. ભારતીય કોસ્ટગાર્ડે સફળ ઓપરેશન પાર પાડીને આ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી હતી. ‘અલ વલી’ નામની બોટ સાથે ઝડપાયેલા તમામને પાકિસ્તાની માછીમારોને જખૌ બંદરે લવાયા છે. જ્યાં તેમની તપાસ કરી વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ માછીમારો માત્ર ભૂલથી ભારતીય સીમામાં પ્રવેશ્યા હતા કે તેમનો કોઈ અન્ય ઇરાદો હતો. ભારતીય તટરક્ષક દળના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની ફિશિંગ બોટ 'અલ વલી' ભારતીય હદમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરીને આ બોટને આંતરી હતી અને તેમાં સવાર તમામ 11 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, આ બોટ પાકિસ્તાની હતી અને તેમાં 11 માછીમારો સવાર હતા, જેઓ ગેરકાયદેસર રીતે ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હતા. સમગ્ર મામલે કોસ્ટગાર્ડ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા માછીમારોની પૂછપરછ કરવામાં આવી રહી છે.





















