ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે ગાંધીજી વિશે ચલાવેલા ક્યા જૂઠાણાની ટ્વિટ કરવી પડી ડીલીટ ? કોંગ્રેસે માન્યો આભાર
ભાજપના લોકોને વિનંતી છે કે, સ્વતંત્રતા સેનનીઓના નામનો ઉલ્લેખ ન કરો. ભારતની આઝાદીમાં ભાજપનું કોઈ યોગદાન નથી તો આપ સ્વતંત્રતા સેનાનીઓના નામનો ઉલ્લેખ ન કરો.
![ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે ગાંધીજી વિશે ચલાવેલા ક્યા જૂઠાણાની ટ્વિટ કરવી પડી ડીલીટ ? કોંગ્રેસે માન્યો આભાર Gujarat BJP general secretory of organization Ratnakar Pandey Gandhiji controversy ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે ગાંધીજી વિશે ચલાવેલા ક્યા જૂઠાણાની ટ્વિટ કરવી પડી ડીલીટ ? કોંગ્રેસે માન્યો આભાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/09/90888c2021a114860ba0c74fe06df189_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેનો કોંગ્રેસ આભાર માન્યો છે. રત્નાકર પાંડેએ ગાંધી ટોપી અંગે કરેલી ટ્વિટના કારણે વિવાદ પેદા થયો હતો. કોંગ્રેસે તેની સામે વાંધો લીધો હતો અને રત્નાકરના જૂઠાણાને ખુલ્લા પાડતા પુરાવા રજૂ કરતાં રત્નાકરે ટ્વિટ ડીલીટ કરવી પડી છે. રત્નાકરે ટ્વિટ ડીલીટ કરતાં કોંગ્રેસે આભાર માન્યો છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ગાંધી ટોપી અંગેનું ટ્વિટ ડીલીટ કરવા બદલ રત્નાકર પાંડેનો આભાર માન્યો છે. પરમારે લખ્યું છે કે, અંતે ટ્વિટ ડીલીટ કરવા બદલ આભાર. ભાજપના લોકોને વિનંતી છે કે, સ્વતંત્રતા સેનનીઓના નામનો ઉલ્લેખ ન કરો. ભારતની આઝાદીમાં ભાજપનું કોઈ યોગદાન નથી તો આપ સ્વતંત્રતા સેનાનીઓના નામનો ઉલ્લેખ ન કરો.
રત્નાકરે ટ્વિટ કર્યુ હતુ કે, ગાંધીજીએ ગાંધી ટોપી તરીકે ઓળખાતી સફેદ ટોપી પહેરી જ નથી. આ ટોપી જવાહરલાલ નહેરૂએ પહેરી હતી એટલે તેને ગાંધી ટોપી કહેવાઇ છે. રત્નાકરે ઈતિહાસને જાણ્યા વિના કરેલી આ ટ્વિટના કારણે વિવાદ થઈ ગયો હતો.
કોંગ્રેસે તેનો વિરોધ કરીને ટ્વિટર પર ગાંધી ટોપી પહેરેલા મહાત્મા ગાંધીજીની તસ્વીરો મૂકીને ભાજપના સંગઠનમંત્રી રત્નાકરે ગાંધી ટોપીનું અપમાન કર્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ માગ કરી હતી કે, આ જૂઠાણું ચલાવવા બદલે રત્નાકર ગુજરાતની જનતાની માફી માગે. રત્નાકર પાંડેએ પોતાની ટ્વિટને ડીલીટ કરીને આ વિવાદનો અંત આણ્યો છે.
રત્નાકરે ગાંધી ટોપીના બહાને કોંગ્રેસ પર રાજકીય પ્રહારો કરતા ટ્વિટ કર્યું હતું કે, કોંગ્રેસીઓએ દરેક વાતમાં ટોપી પહેરાવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પહેરાતી સફેદ ટોપી જે કયારેય ગાંધીજીએ પહેરી જ નથી અને તેને ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે કોઇ લેવાદેવા નથી. નહેરૂજીએ હમેશાં પહેરી હતી એટલે તે ગાંધી ટોપી ઓળખાઇ હતી.
આ ટ્વિટ બાદ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ એવો આક્ષેપ કર્યો હતો કે, ગાંધી ટોપી સ્વતંત્રતા સંગ્રામની આગવી ઓળખ છે. હજારો લોકોએ ગાંધી ટોપી પહેરી હસતા મોઢે શહીદી વહોરી છે ત્યારે આ પ્રકારનું નિવેદન કરીને રત્નાકરે ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)