(Source: ECI/ABP News/ABP Majha)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિડર નિવેદનઃ જેને જે ખાવું હોય તે ખાય, વેજ-નોન વેજની વાતો મિથ્યા છે, લારીઓ હટાવવા મુદ્દે શું કહ્યું ?
મુખ્ય મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, ટ્રાફિકને અડચણરૂપ લારી હોય તો હટાવવી પડે. સાથે તેમણે કહ્યું કે જેને જે ખોરાક ખાવા હોય તે ખાઈ શકે છે, તેની સામે સરકારને કોઈ વાંધો નથી.
આણંદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આણંદના બાંધાણી ગામમાં સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ પ્રથમવાર રાજ્યની મહાનગરપાલિકામાં ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવાના નિર્ણય પર નિવેદન આપ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, લારીઓમાં વેચાતો ખાદ્ય પદાર્થ હાનિકારક ન હોય તે જ અમારો પ્રશ્ન છે. મુખ્ય મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, ટ્રાફિકને અડચણરૂપ લારી હોય તો હટાવવી પડે. સાથે તેમણે કહ્યું કે જેને જે ખોરાક ખાવા હોય તે ખાઈ શકે છે, તેની સામે સરકારને કોઈ વાંધો નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નોનવેજ-ઇંડાની લારીઓ જાહેર માર્ગો પરથી હટાવવાનો નિર્ણય નગરપાલિકા-મહાનગરપાલિકા તંત્રનો છે. આ સંદર્ભેમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સ્પષ્ટપણે માને છે કે જે નાગરિકને જે ખોરાક ખાવો હોય તે ખાઇ શકે છે પરંતુ આવો ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્યને હાનિકારક ન હોય તે પણ જરૂરી છે.મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે લારીઓ ટ્રાફિક કે નાગરિકો માટે અડચણ રૂપ હશે તો તેવી લારીઓ હટાવી શકાશે.
નોંધનીય છે કે ઈંડા અને નોનવેજની લારીઓ અંગે મોટો નિર્ણય લેવાયો છે. શહેરના મુખ્યમાર્ગ તેમજ ધાર્મિક સ્થાન પાસે નોનવેજની લારીઓ ઉભી નહિ રાખવા નિર્ણય લેવાયો છે. સ્કૂલ કોલેજ, કમ્યુનિટી હોલ પાસે ઈંડા અને નોનવેજની લારીઓ નહિ ઊભી રાખવા નિર્ણય લેવાયો છે. ટી પી કમિટીમાં નિર્ણય લેવાયો છે. આવતીકાલથી અમલ ચાલુ કરશે.
રાજ્યના ચાર શહેરોમાં જાહેર સ્થળો પર ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સૌ પ્રથમ રાજકોટ મેયરે શહેરના જાહેર સ્થળો પર નોનવેજની લારીઓ હટાવવા માટેના આદેશ કર્યા હતા. ત્યારબાદ એક પછી એક મોટા શહેરોની મનપા પણ આ પ્રકારના નિર્ણયો લેવા માંડી છે. રાજકોટ બાદ વડોદરાના મેયરે પણ શહેરમાં જાહેર સ્થળો પર ધમધમતી નોનવેજની લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ જૂનાગઢ મહાનગર પાલિકા અને ભાવનગર નગરપાલિકાએ પણ હવે શહેરમાં જાહેર સ્થળો પર ધમધમતી નોનવેજની લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. રસ્તા પરથી હવે નોનવેજની લારીઓને દુર કરવામાં આવશે. જો કે આવી જ નોનવેજની લારીઓને કોઈ એક સ્થળે જ રાખવા માટેની પણ વ્યવસ્થા મહાનગર પાલિકાઓ કરી રહી છે.
બીજી તરફ અમદાવાદના પાલડી વોર્ડના કાઉન્સિલર અને રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકિલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી જાહેરમાં નોનવેજની લારી ન ઉભી રાખવા દેવામાં ના આવે તેવી વાત કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે નોનવેજની લારીઓના કારણે બહાર નીકળવુ મુશ્કેલ બની જાય છે. લારીની આસપાસ સ્વચ્છતાનુ પણ ધ્યાન ન રખાતુ હોવાની કાઉન્સિલરે ફરિયાદ કરી હતી. આ તમામ કારણો સાથે ત્વરિત ધોરણે જાહેર માર્ગો પરથી નોનવેજની લારીઓ હટાવવાની રજૂઆત કરી હતી.