ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ધમધમાટઃ હોદ્દેદારોની પહેલા તબક્કાની યાદી ટૂંકમાં થશે જાહેર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં હોદ્દેદારોની નિમણૂકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસના માળખાની પહેલી યાદી જાહેર થશે. પહેલા તબક્કાની યાદીમાં ઉપપ્રમુખો અને મહામંત્રીઓ જાહેર થશે.
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં હોદ્દેદારોની નિમણૂકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસના માળખાની પહેલી યાદી જાહેર થશે. પહેલા તબક્કાની યાદીમાં ઉપપ્રમુખો અને મહામંત્રીઓ જાહેર થશે. આગામી ત્રણેક દિવસમાં પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. માળખાના કદને લઈ કોંગ્રેસ હજુ અવઢવમાં છે. માળખાનું કદ ઘટાડવું કે મોટું રાખવું તે અંગે અવઢવ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. ગુજરાતના પ્રભારી રધુ શર્મા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. રધુ શર્માએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ગુજરાતની જનતાએ પરિવર્તનનું મન બનાવી લીધું છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. ડ્રગ્સ તસ્કરીનો ગુજરાત અડ્ડો બની ગયું છે. ગુજરાતમાં રિમોટ કન્ટ્રોલ સરકાર છે, ગુજરાત ભાજપના અધ્યક્ષ પાસે રિમોટ છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં ભાજપ સરકાર ચલાવી રહી છે. રધુ શર્મા ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો તૂટવાના દાવાને પણ નકાર્યો છે તેમણે કહ્યું ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો એકજૂથ છે.
રધુ શર્માએ વધુમાં કહ્યું કે, પંજાબમાં મુખ્ય વિપક્ષી દળ આમ આદમી પાર્ટી હતું પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક પણ ધારાસભ્ય નથી. રધુ શર્માએ કહ્યું ગુજરાતમાં સરકારે 4 વર્ષમાં કંઈ નથી કર્યું જેના કારણે આખી સરકાર બદલી દેવામાં આવી છે.
કૉંગ્રેસ છોડનારા નેતાઓને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ચીમકી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. ગુજરાતના પ્રભારી રધુ શર્મા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ગુજરાત કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મીડિયા સાથેની વાચતીતમાં કહ્યું કે, ગુજરાતમાં જ્યારે ચૂંટણીઓ આવવાની છે ત્યારે 6 એપ્રિલથી ગાંધી સંદેશ યાત્રા શરુ થઈ રહી છે ત્યારે એ યાત્રામાં આવવા માટે રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું છે. ચૂંટણીને લઈ ચર્ચા અને સંગઠન અને આગામી કાર્યક્રમોને લઈ રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ સાથે ગુજરાત પ્રભારી રધુ શર્મા અને અમે ચર્ચા કરી છે.
ગુજરાત કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પૂછવામાં આવ્યું હતું કે ગુજરાત કૉંગ્રેસના 12 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે તેના જવાબમાં તેમણે કહ્યું કે, 12 હોય કે 15 હોય જેમને જવાનું છે એમને જવાની છૂટ આપી છે જેને જવાનુ હોય એ જાય કૉંગ્રેસને કોઈ નચાવવા માંગતો હશે તો કૉંગ્રેસ નાચશે નહી અને જે ગયા છે એમને પૂછો કે ત્યાં તમારી શુ દશા છે. ત્યાં કોઈ સચવાતા નથી અને કૉંગ્રેસ પાછા નથી લેતી. ચૂંટણીના સમયે જે લોકો જાય છે તેની રાજકીય કિંમત નથી, સામાજિક કિંમત નથી અને એમના પ્રમુખ કહે છે પાટીલ મારે એક પણ કૉંગ્રેસીને નથી લેવો તો આપના માધ્યમથી કહું છુ અને ગુજરાતમાં કહેવત છે કે થૂંકીને ચાટે છે પાટીલ, જ્યારે જ્યારે બોલે ત્યારે કૉંગ્રેસીને જોઈતો નથી અને કૉંગ્રેસી સિવાય ભાજપને ચાલવું નથી એવી નીતિ ભાજપને મુબારક છે.