ગુજરાતમાં કોરોનાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ
રાજ્યમાં હવે માત્ર 133 જ એક્ટિવ કેસ રહ્યા છે. આ સાથે રાજ્યના 20 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. એટલે કે આ 20 જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લઈને લોકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે માત્ર 133 જ એક્ટિવ કેસ રહ્યા છે. આ સાથે રાજ્યના 20 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. એટલે કે આ 20 જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. આ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના 6 મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. મધ્ય ગુજરાતમાં મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ખેડાનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, ભરુચ અને નર્મદા જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી.
ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,556 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 6,35,197 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 133 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 133 નાગરિકો સ્ટેબલ છે. 8,15,556 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. સુરત કોર્પોરેશનમાં 5, ભાવનગરમાં ત્રણ, અમદાવાદ કોર્પોરેશનમાં બે, ભાવનગર કોર્પોરેશનમાં બે, નવસારીમાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે, વલસાડમાં બે, જામનગરમાં એક, વડોદરામાં એક કોરોનાનો કેસ નોંધાયો છે.
રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 22 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4137 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 79013 નાગરિકોને રસીનો પ્રથમ અને 89,795 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 2,15,644 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 2,46,586 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 6,35,197 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,79,90,925 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપીમાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.