ગુજરાતમાં કોરોનાનો ફફડાટ, 2021માં અત્યાર સુધીના સૌથી વધુ નોંધાયા દૈનિક કેસ, સુરતમાં સ્થિતિ કથળી
Gujarat Corona Update: રાજ્યમાં અત્યારસુધી કુલ ૨ લાખ ૬૮ હજાર ૭૭૫ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૬.૮૯% છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું કાળચક્ર ફરી બેકાબૂ થયું છે. શનિવારે વધુ ૭૭૫ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ હતી. જે વર્ષ ૨૦૨૧માં અત્યારસુધી નોંધાયેલા સૌથી વધુ દૈનિક છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રત્યેક કલાકે સરેરાશ ૩૨ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે.રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ૪ હજાર ૨૦૦ છે.જ્યારે ૫૩ દર્દી વેન્ટિલેટર પર છે. શનિવારે વધુ બે વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૨ લાખ ૭૭ હજાર ૩૯૭ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૪ હજાર ૪૨૨ છે.
સુરતમાં સતત વધી રહ્યા છે કેસ
શનિવારે સુરત શહેરમાં ૧૮૮ અને ગ્રામ્યમાં ૧૮ સાથે ૨૦૬ કેસ નોંધાયા હતા.રાજ્યમાં હાલ સુરતમાં સૌથી વધુ ૧ હજાર ૮૯ એક્ટિવ કેસ છે. અમદાવાદ શહેરમાં ૧૮૫ અને ગ્રામ્યમાં ૩ સાથે ૧૮૮ નવા કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં ૬૦ અને ગ્રામ્યમાં ૨૪ સાથે ૮૪, રાજકોટ શહેરમાં ૬૪ અને ગ્રામ્યમાં ૧૩ સાથે ૭૭ નવા કેસ નોંધાયા હતા. આણંદમાં 32, મહેસાણામાં 21, ભરૂચમાં 20, ગાંધીનગર, જામનગર-ભાવનગરમાં 16, પંચમહાલ, છોટાઉદેપુરમાં 14-14, પાટણમાં 13, ખેડામાં 10, કચ્છમાં 9 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કેટલો છે રિકવરી રેટ
શનિવારે ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૩૮, સુરતમાં ૧૩૩, વડોદરામાં ૯૦, રાજકોટમાંથી ૭૯ એમ રાજ્યભરમાંથી ૫૭૯ દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. રાજ્યમાં અત્યારસુધી કુલ ૨ લાખ ૬૮ હજાર ૭૭૫ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૬.૮૯% છે.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 19,33,388 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 4,87,135 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,20,707 લોકોને રસી આપવામાં આવી છે.