(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Corona Update: કોરોનાના કેસ વધતાં રાજ્યની હોસ્પિટલમાં કરાશે મોક ડ્રિલ, જાણો વેક્સિનની શું છે સ્થિતિ
ગુજરાતમાં કોરોના કેસો વધે તો પણ આરોગ્ય વિભાગ તૈયાર છે. ગયા અઠવાડિયા કરતા આ ચાલુ અઠવાડિયામા કોરોના કેસો ઘટ્યા છે, વેક્સિનની કેન્દ્ર પાસે માગણી કરી છે, જલ્દી વેકસીન મળી જશે.
Gujarat Corona Updates: દેશમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, HBB 1.6 સબ વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળે છે. દેશમાં અને રાજ્યમાં કોરોના કેસોમા વધારો થઈ રહ્યો છે, હાલ 2141 એક્ટિવ કેસ રાજ્યમાં છે. 10 અને 11મી એપ્રિલે રાજ્યની કોરોના હોસ્પિટલોમાં મોક ડ્રિલ કરવામાં આવશે. ગુજરાતમાં કોરોના કેસો વધે તો પણ આરોગ્ય વિભાગ તૈયાર છે. ગયા અઠવાડિયા કરતા આ ચાલુ અઠવાડિયામા કોરોના કેસો ઘટ્યા છે,
વેક્સિનની કેન્દ્ર પાસે માગણી કરી છે, જલ્દી વેકસીન મળી જશે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દૈનિક 300થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યામાં કોરોનાના નવા 327 કેસ સામે આવ્યા છે. જો કે, આજે 1 દર્દીનું મોત પણ થયું છે. સૌથી વધુ 98 કેસ અમદાવાદ જિલ્લામાં સામે આવ્યા છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં 37, રાજકોટ જિલ્લામાં 17 અને વડોદરા જિલ્લામાં 60 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં 24, મોરબી, વલસાડ જિલ્લામાં 12-12 અને પાટણ જિલ્લામાં 7 કોરોનાના કેસ નોંધાયા છે.
દેશમાં શું છે કોરોનાનું ચિત્ર
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 6 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 6050 નવા કેસ નોંધાયા છે, એક્ટિવ કેસની સંખ્યા વધીને 28,303 પર પહોંચી છે. રિકવરી રેટ 98.75 ટકા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 3.39 ટકા અન સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 3.02 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3320 દર્દી કોરોના મુક્ત થયા છે, જેની સાથે અત્યાર સુધીમાં કુલ 4,41,85,858 લોકો સાજા થયા છે.
આ દરમિયાન આઇઆઇટી, કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે કોરોનાના વધતા કેસો વચ્ચે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે વધતા કેસોને સિઝનલ બિમારીની જેમ જોઇ ન શકાય.પ્રોફેસરે દાવો કર્યો છે કે આવનારા બે મહિનામાં દરરોજ 15 થી 20હજાર કેસ સામે આવશે. તેમણે જણાવ્યું હતું કે દેશના મોટા ભાગના લોકોએ રસી લઇ લીધી છે અને તમામ એક વખત વાયરસથી સંક્રમિત પણ થઇ ગયા હોવાથી લોકોમાં એક સ્તરની ઇમ્યુનિટી પણ બની ગઇ છે. જેના કારણે જ્યારે પણ કોઇને સંક્રમણ થશે તો વધુ અસરકારક નહીં હોય. કેસોની સંખ્યા વધશે પણ તે લહેર નહીં ગણાય. હું વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે લહેર નહીં આવે. ગયા વર્ષે જુલાઇમાં પણ નાની લહેર આવી હતી જેમાં દૈનિક 20,000કેસ આવતા હતાં. આ વખતે પણ આવું જ થવાની શક્યતા છે અને દૈનિક કેસોની સંખ્યા વધીને 2૦,૦૦૦ સુધી જઇ શકે છે. ભારતીયોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ ઘટી છે.