શું તમારા ઘરમાં પણ નકલી ઘી આવ્યું છે? ગુજરાતમાં ₹1.4 કરોડનું નકલી ઘી ઝડપાયું, તંત્રની મોટી કાર્યવાહી
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં દરોડા, ગાંધીધામ અને જામનગર માંથી પામ તેલ અને સોયાબીન ની ભેળસેળ ઝડપાઈ.

ગુજરાત ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં ભેળસેળિયા તત્વો વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડા દરમિયાન, શુદ્ધ ઘીમાં ભેળસેળ કરવા માટે વપરાતા કાચા માલ સહિત કુલ ₹1.4 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં ગાંધીધામ માંથી 67 ટન રિફાઈન્ડ પામ તેલ (RPO) અને જામનગર માંથી સોયાબીન તથા વનસ્પતિ ઘી ની ભેળસેળનો પર્દાફાશ થયો છે. જાહેર જનતાના આરોગ્યની સુરક્ષા માટે કુલ 8 નમૂનાઓ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
રાજ્યવ્યાપી દરોડા: બનાવટી ઘીનો પર્દાફાશ
fake ghee seized Gujarat: ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયા ના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા ઘીની ગુણવત્તા અંગે તપાસ ચાલી રહી હતી. આ તપાસમાં એવું ધ્યાનમાં આવ્યું કે ભેળસેળ કરવા માટે ખાસ કરીને રિફાઈન્ડ પામ તેલ (RPO) નો ઉપયોગ મુખ્ય ઘટક તરીકે થાય છે, કારણ કે તેનું ટેક્સચર શુદ્ધ ઘી જેવું જ હોય છે. આ માહિતીના આધારે, તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા, જેનો છેડો ગાંધીધામ અને જામનગર સુધી પહોંચ્યો હતો.
ગાંધીધામ અને જામનગર ખાતેની કાર્યવાહી
- ગાંધીધામ: ભારત ફૂડ્સ પર દરોડો: તારીખ 11 સપ્ટેમ્બર, 2025 ના રોજ તંત્રની ટીમે ગાંધીધામ, કચ્છ ખાતે આવેલ મે. ભારત ફૂડ્સ કો-ઓપરેટીવ લિ. માં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, શંકાસ્પદ લાગતા 67 ટન રિફાઈન્ડ પામ તેલ (RPO) નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત આશરે ₹1.32 કરોડ જેટલી થવા જાય છે. સ્થળ પરથી 4 નમૂનાઓ લઈ લેબોરેટરીમાં મોકલાયા છે.
- જામનગર: કૃષ્ણા ટ્રેડિંગ પર દરોડો: તારીખ 12 સપ્ટેમ્બર, 2025 ના રોજ, જામનગર ના ધ્રોલ ખાતે આવેલ મે. કૃષ્ણા ટ્રેડિંગ કો. પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં, ઘીમાં સોયાબીન અને વનસ્પતિ ઘી ની ભેળસેળ કરતા વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી ઘી, વનસ્પતિ અને સોયાબીન તેલના કુલ 4 નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ સાથે, લગભગ 2 ટન જેટલો ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે, જેની કિંમત ₹5.8 લાખ છે. તંત્ર દ્વારા આ પેઢીનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
તંત્રની કડક કાર્યવાહી અને ચેતવણી
કમિશનર ડૉ. એચ. જી. કોશિયા એ જણાવ્યું કે, કુલ 8 નમૂનાઓ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ગુજરાત ના નાગરિકોને શુદ્ધ અને સલામત આહાર મળી રહે તે માટે તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને આવા ભેળસેળિયા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.





















