Gujarat Election 2022: રોજગારના સ્થાને સરકાર ઝેર આપી રહી છે, આ છે ભાજપનું ‘ગુજરાત મોડલ’: રાહુલ ગાંધી
જૂનાગઢ શહેરમાં કેફી પીણું પીવાથી બે લોકોના મોત થયા છે
જૂનાગઢ શહેરમાં કેફી પીણું પીવાથી બે લોકોના મોત થયા છે. મળતી જાણકારી અનુસાર જૂનાગઢમાં બે રિક્ષા ચાલકોએ કેફી પીણું પીધા બાદ તેઓની તબિયત લથડી હતી. બાદમાં સારવાર દરમિયાન બંન્નેનું મોત થયુ હતું. હવે આ મામલે રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે ‘ડ્રાઇ સ્ટેટ’ ગુજરાતમાં ગઇકાલે ઝેરી દારૂથી લોકોનું મોત થયું છે. એક તરફ દેખાવા પુરતી દારૂબંધી, બીજી તરફ ઝેરી દારૂ અને ડ્રગ્સના કારણે લોકો મરી રહ્યા છે. રોજગારના સ્થાને સરકાર ઝેર આપી રહી છે. આ છે ભાજપનું ‘ગુજરાત મોડલ’. ગાંધી-સરદારની ભૂમિને નશામાં લિપ્ત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ શહેરમા રફીક ઘોઘારી અને જૉન નામના બંને રિક્ષાચાલકોએ જેવું કેફી પીણું પીધું કે બંને તરફડીયા મારવા લાગ્યા હતા. બંનેને હોસ્પિટલ ખસેડાયા જ્યાં તેમનું મોત થયું હતું. કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ જોષી સહિત મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યા હતા. જૂનાગઢ પોલીસે લઠ્ઠાકાંડ હોવાની વાતને નકારી કાઢી હતી.
જો કે, ઘટનાની જાણ થતાં જ એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન જૂનાગઢ દોડી આવ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ દાવો કર્યો કે બંને રિક્ષાચાલકના મોત પાછળ લઠ્ઠાકાંડ કારણભૂત નથી. કેમ કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મિથેનોલ નહીં પરંતુ ઈથેનોલના કારણે મોત થયાનું ખુલ્યું છે.
હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કે, મૃતક બંને રિક્ષાચાલક છેલ્લા ત્રણ-ચાર દિવસમાં કોના સંપર્કમાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઈલ્સના આધારે તપાસ શરૂ કરી છે. આ મામલે સુસાઇડ છે કે હત્યા તે અંગે પણ પોલીસ તપાસ કરશે.
મતદારોને રૂપિયાની લાલચનો વીડિયો વાયરલ
ચૂંટણીમાં મતદારોને કેવી રીતે લાલચ અપાય છે તેનો પર્દાફાશ કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો બનાસકાંઠાના દાંતા વિસ્તારોનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં અનેક લોકો લાઇનમાં બેઠા છે તો ભાજપનો ખેસ પહેરીને કેટલાક કાર્યકર્તાઓ રૂપિયાની વહેંચણી કરી રહ્યા છે. દાંતા વિધાનસભામાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે, એટલેકે અહીં પાંચમી ડિસેમ્બરે મતદાન થશે. મતદાન અગાઉ વાયરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. આ વીડિયો કોણે બનાવ્યો અને ખરેખર તે કાર્યકર્તાઓ ભાજપના હતા કે નહીં તે કહેવું મુશ્કેલ છે. લાતુ પારઘીના સમર્થકો છે કે નહીં તેની એબીપી અસ્મિતા પુષ્ટિ કરતું નથી.