(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કોનોકાર્પસના વાવેતર પર સરકારે મૂકયો પ્રતિબંધ
વન વિભાગ દ્વારા ગુજરાતમાં નર્સરીમાં કોનોકાર્પસના વાવેતર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે કોનોકાર્પસના રોપાના ઉછેર પર પ્રતિબંધ લગાવ્યો છે.
ગાંધીનગર: ગજુરાતના વન વિભાગ દ્વારા રાજ્યમાં નર્સરીમાં કોનોકાર્પસના વાવેતર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કોનોકાર્પસના રોપાના ઉછેર પર પ્રતિબંધ લગાવ્યો છે. કોનોકાર્પસના કારણે પર્યાવરણને નુકસાન થતું હોવાથી વન વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોનોકાર્પસના મૂળિયાથી અંડર ગ્રાઉન્ડ કેબલ અને પાઇપલાઇનને નુકશાન થતું હોવાનું તારણ છે.
આ સિવાય કોનોકાર્પસથી શરદી, ઉધરસ, અસ્થમા અને એલર્જી જેવા રોગો થતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. સરકારી નર્સરીમાં કોનોકાર્પસના રોપા ઉછેરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વન વિભાગે પરિપત્ર જાહેર કરી પ્રતિબંધ મૂક્યો છે.
રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે, કોનોકાર્પસને કારણે ઉધરસ, શરદી, અસ્થમા જેવા રોગ થાય છે. તેની આજુબાજુમાં થોડા સમય માટે રહેવાથી આંખો સૂજીને લાલ થઈ જઈ જાય છે અને ખંજવાળ આવવા લાગે છે. અસ્થમાના દર્દીઓને પણ મુશ્કેલી થઈ શકે છે. કોનાકાર્પસના મૂળ ઊંડા હોવાથી જમીનમાંથી પાણી ખેંચી લે છે.
વનવિભાગના પરિપત્રમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યમાં વિદેશી પ્રજાતિ કોનોકોર્પસના ઉછેરનો વ્યાપ વધી રહેલ છે. સંશોધન અહેવાલો મુજબ આ પ્રજાતિના પર્યાવરણ અને માનવજીવન ઉપર નકારાત્મક અસરો ગેરફાયદાઓ ધ્યાને આવેલ છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે અને ખૂબ જ વિકાસ પામે છે. જેથી ઘણા સંદેશાવ્યવહાર કેબલ, ઘણી ડ્રેનજ લાઈન અને તાજા પાણીની વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે. આ વૃક્ષમાં શિયાળાની ઋતુમાં ફૂલો આવે છે જેના પરાગરજકો આજુબાજુના વિસ્તારમાં ફેલાય છે જેના કારણે નાગરીકોમાં શરદી ઉધરસ, અસ્થમા, એલર્જી વગેરે રોગો થવાની શક્યતા રહે છે તેવું જાણવા મળેલ છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ ગુજરાત રાજ્યમાં આવેલ તમામ ખાતાકીય અને વન મહોત્સવ નર્સરીઓમાં કોનોકાર્પસના રોપા ઉછેરવા તેમજ કોઈ પણ વાવેતર વન વિસ્તાર તેમજ વન વિસ્તાર બહારના વિસ્તારમાં આ પ્રજાતિના રોપાનું વાવેતર કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. વધુમાં તમામ સંબંધિતોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે કોનોકાર્પસના વાવેતર અને તેના આડ અસરો બાબતે વન વિભાગ દ્વારા જાગ્રૃતિ કાર્યક્રમો, કિસાન શિબિર, પ્રકૃતિ શિક્ષણ શિબિર મારફતે રાજ્યના આમ નાગરિકોને સમજણ આપવા પણ જણાવવામાં આવે છે.