(Source: ECI | ABP NEWS)
નિમણૂક પામેલા શિક્ષણ સહાયકો માટે સરકારે શાળાની અંતિમ ફાળવણી જાહેર કરી, જાણો ક્યારે મળશે નિમણૂક પત્રો
સરકારી અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે મેરીટ કમ પ્રેફરન્સ આધારે અંતિમ યાદી પ્રસિદ્ધ; ઉમેદવારોએ વેબસાઈટ પર સૂચનાઓ જોવા અપીલ.

Shikshan Sahayak Gujarat 2025: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-2024 અંતર્ગત ઉમેદવારો માટે શાળાની અંતિમ ફાળવણી આજે જાહેર કરવામાં આવી છે. આ ફાળવણી મેરીટ કમ પ્રેફરન્સના આધારે કરવામાં આવી છે, જે ઉમેદવારો માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.
નિમણૂક પત્ર મેળવવાની તારીખો
- સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને જુલાઈ 3, 2025 ના રોજ નિમણૂક હુકમ આપવામાં આવશે.
- બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને જુલાઈ 8, 2025 ના રોજ નિમણૂક હુકમ આપવામાં આવશે.
સંબંધિત ઉમેદવારોએ ફાળવણીપત્રમાં જણાવેલ સ્થળે નિર્ધારિત તારીખે નિમણૂક હુકમ મેળવવા માટે ઉપસ્થિત રહેવું પડશે.
મહત્વપૂર્ણ સૂચનાઓ અને પ્રક્રિયા
ઉમેદવારો માટે શાળા ફાળવણીપત્ર ડાઉનલોડ કરવા અને ફાળવાયેલી શાળામાં નિમણૂક હુકમ મેળવવા અંગેની જરૂરી સૂચનાઓ www.gserc.in વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉમેદવારોને આ સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને નિમણૂક હુકમ મેળવવા અંગેની કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા જણાવાયું છે કે, આ શાળા ફાળવણી વર્તમાન ભરતી પ્રક્રિયાની અંતિમ ફાળવણી છે. આ પછી શાળા ફાળવણી અંગે ઉમેદવારોની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
📢 અગત્યની માહિતી
— Praful Pansheriya (@prafulpbjp) June 27, 2025
રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી - ૨૦૨૪ અન્વયે આજે તારીખ:૨૭/૦૬/૨૦૨૫ ના રોજ બંને ભરતીમાં Final Allotment (અંતિમ શાળા ફાળવણી) જાહેર કરવામાં આવેલ છે.
ઉમેદવાર પોતાના login માં જઈને શાળા ફાળવણીપત્ર ડાઉનલોડ કરી શકશે.
ભરતી પ્રક્રિયાનો ઘટનાક્રમ
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સહાયક ભરતી વર્ષ-2024 અંતર્ગત જૂન 21, 2025 ના રોજ શાળા ફાળવણી માટેનું પ્રોવિઝનલ એલોટમેન્ટ (કામચલાઉ ફાળવણી) જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, જૂન 25, 2025 ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પસંદગી બાબતે ઉમેદવારો પાસેથી ઓનલાઈન સંમતિ મેળવવામાં આવી હતી. આ સંમતિના આધારે ઉમેદવારોને પસંદગીની ભરતી ફાળવવામાં આવી હતી અને અન્ય ભરતીમાંથી તેમની ઉમેદવારીનો હક બાદ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા બાદ આજે તમામ ઉમેદવારો માટે શાળાની અંતિમ ફાળવણી જાહેર કરવામાં આવી છે.





















