ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Jadui Pitara Gujarat: દેશનું પ્રથમ રાજ્ય: ગુજરાતની શાળાઓમાં હવે પુસ્તકોનો ભાર ઘટશે; Balvatika થી ધોરણ 2 સુધીના બાળકો માટે 'ટોય બેઝ પેડાગોજી' થી શિક્ષણ આપવાની નવતર પહેલ.

Jadui Pitara Gujarat: ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે એક આનંદના સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પદ્ધતિમાં એક ક્રાંતિકારી ફેરફાર કરવામાં આવી રહ્યો છે. હવે બાળકોએ માત્ર પુસ્તકિયા જ્ઞાન કે ગોખણપટ્ટી (Rote Learning) પર નિર્ભર રહેવું નહીં પડે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી બાળકોને હવે 'જાદુઈ પીટારા' (Jadui Pitara) દ્વારા શિક્ષણ આપવામાં આવશે. આ નવતર પહેલને કારણે રાજ્યના 12.35 Lakh થી વધુ વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.
74,000 'જાદુઈ પીટારા' શાળાઓમાં પહોંચશે
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાસ કરીને બાલવાટિકા (Balvatika) તેમજ ધોરણ 1 અને 2 ના બાળકો માટે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કુલ 74,000 થી વધુ 'જાદુઈ પીટારા' વિતરણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગૌરવની વાત એ છે કે, આવી રીતે ટોય બેઝ પેડાગોજી (Toy Based Pedagogy) એટલે કે રમકડાં આધારિત શિક્ષણ પદ્ધતિ અપનાવનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે.
શું છે આ 'જાદુઈ પીટારા'માં?
આ 'જાદુઈ પીટારા' કોઈ સામાન્ય બોક્સ નથી, પરંતુ તે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અને નિપુણ ભારત મિશન (NIPUN Bharat Mission) ના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને NCERT દ્વારા તૈયાર કરાયેલું એક નોલેજ બોક્સ છે. તેમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે 30 થી વધુ વિવિધ પ્રકારની શૈક્ષણિક સામગ્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે:
શૈક્ષણિક રમકડાં અને પઝલ (Puzzles)
સંગીતના સાધનો અને કલા સામગ્રી
પપેટ્સ (કઠપૂતળી) અને મણકા
રસોડા સેટ (Kitchen Set) અને અન્ય પ્રવૃત્તિ સાધનો
ભાર વિનાનું ભણતર અને લાંબા ગાળાનું જ્ઞાન
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ભાર વિનાનું ભણતર આપવાનો છે. આ પદ્ધતિમાં રમત, સંગીત, નવાચાર અને પ્રોજેક્ટ વર્ક દ્વારા શિક્ષણ આપવામાં આવશે, જેથી બાળકોને ભણેલું લાંબા સમય સુધી યાદ રહે. શિક્ષકો માટે પણ આ પીટારામાં એક ખાસ માર્ગદર્શિકા આપવામાં આવી છે, જેથી તેઓ વર્ગખંડમાં બાળકો સાથે અસરકારક રીતે સંવાદ સાધી શકે અને શિક્ષણને રસપ્રદ બનાવી શકે.
વિકાસની દિશામાં વધુ એક કદમ
ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો થકી શિક્ષણનો પાયો મજબૂત કર્યો હતો. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ, આ 'જાદુઈ પીટારા' પ્રોજેક્ટ રાજ્યના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.



















