(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ અને રાત્રિ કર્ફ્યુ મુદ્દે આરોગ્ય મંત્રીએ શું આપ્યું મોટું નિવેદન?
કોરોનાના કેસ નિશ્ચિતપણે વધ્યા છે. વાયરસ અંગેની તપાસ માટે સેમ્પલ મોકલાયા છે. વેરિયન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. આજે આ અંગે બેઠક કરીને જ્યાં કેસ વધ્યા છે તે અંગેની ચર્ચા કરીશું.
અમદાવાદઃ ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાના કેસ નિશ્ચિતપણે વધ્યા છે. વાયરસ અંગેની તપાસ માટે સેમ્પલ મોકલાયા છે. વેરિયન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. આજે આ અંગે બેઠક કરીને જ્યાં કેસ વધ્યા છે તે અંગેની ચર્ચા કરીશું.
તેમણે કહ્યું કે, રસીકરણના કારણે લોકોને હોસ્પિટલમાં જવાની જરૂર નથી પડતી તે સારું છે. જે વિસ્તારમાં એક સાથે વધુ કેસ આવ્યા છે ત્યાં નિયંત્રણો કડક કરાશે. બાળકોની રસી અને બૂસ્ટર ડોઝનું હાલ કોઈ આયોજન નથી. રાત્રિ કરફ્યુ અને અન્ય નિયંત્રણો અંગે હાલ કોઈ અન્ય નિર્ણય નથી લેવાયો. રાત્રિ કરફ્યુ વધારવાની હાલ કોઈ વિચારણા નથી.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 54 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,687 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,25,721 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 28, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશમાં 4, સુરતમા 3, વડોદરામાં 3, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, વલસાડમાં 2, ભરૂચ 1, જામનગર, 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, નવસારીમાં 1, રાજકોટમાં 1 અને તાપીમાં એક કોરોનાનો નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 291 કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 283 નાગરિકો સ્ટેબલ છે. 8,16,687 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 5 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 2175 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,1559 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,00,005 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 37,811 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,74,166 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,25,721 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,57,33,872 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.