ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ક્યા ક્લાસ વન અધિકારીને તતડાવીને કહ્યું, ઘરે ફોન કરી દો કે આજે નહીં આવું, કોર્ટ તમને જેલમાં મોકલવાની છે......
આ ચીમકીથી ફફડી ગયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પરસેવો વળી ગયો હતો. તેમના સદનસીબે રાજ્ય સરકારે એક અઠવાડિયામાં ચૂકવણીની બાંયધરી આપતા તેમનો જેલવાસ ટળ્યો હતો.
![ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ક્યા ક્લાસ વન અધિકારીને તતડાવીને કહ્યું, ઘરે ફોન કરી દો કે આજે નહીં આવું, કોર્ટ તમને જેલમાં મોકલવાની છે...... Gujarat High Court angry on executive engineer of Bhavnagar ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ક્યા ક્લાસ વન અધિકારીને તતડાવીને કહ્યું, ઘરે ફોન કરી દો કે આજે નહીં આવું, કોર્ટ તમને જેલમાં મોકલવાની છે......](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2017/09/01111536/2-High-court-denies-rape-survivor-permission-to-abort21.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે સોમવારે કર્મચારીઓને વળતરના કેસમાં અદાલતની અવમાનનાના કેસમાં રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના ભાવનગરના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની કામગીરી સામે ભારે નારાજગી દર્શાવી હતી. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે તો એક તબક્કે એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કહી દીધું હતું કે, અત્યારે જ તમે ઘરે ફોન કરીને કહી દો કે આજે તમે ઘરે નહીં આવો કારણ કે કોર્ટ તમને જેલમાં મોકલી રહી છે.
આ ચીમકીથી ફફડી ગયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પરસેવો વળી ગયો હતો. તેમના સદનસીબે રાજ્ય સરકારે એક અઠવાડિયામાં ચૂકવણીની બાંયધરી આપતા તેમનો જેલવાસ ટળ્યો હતો. હાઈકોર્ટે આ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને રાહત આપી ને વધુ સુનાવણી આવતા અઠવાડિયે રાખી છે.
આ કેસની વિગત એવી છે કે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગની ભાવનગર ઓફિસના કેટલાંક રોજમદાર કર્મચારીઓને દસ વર્ષની નોકરી બાદ કાયમી કરવામાં આવ્યા હતાં. આ કાયમી કર્મચારીઓને તેમની 300થી પણ વધુ વણવપરાયેલી રજાનું લીવ એન્કેશમેન્ટ એટલે કે રોકડ વળતર આપવામાં આવ્યું નહોતું.
આ અંગે અરજી થતાં હાઇકોર્ટે કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. રાજ્ય સરકારે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતાં સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકારની અપીલ ફગાવી હતીસુપ્રીમ કોર્ટના આદેશ છતાં રકમ ન અપાતા કર્મચારીઓએ હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (કોર્ટની અવમાનના)ની અરજીકરી હતી.
સોમવારે આ કેસની સુનાવણી જરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે. શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે, ભાવનગરના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કોર્ટમાં હાજર છે?
સરકારી વકીલે હા પાડતાં કોર્ટે એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ખંડપીઠ સમક્ષ આવવા કહ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું હતું કે, તમારી પાસે મોબાઈલ ફોન છે? અધિકારીએ પોતાનો ફોન બંધ હોવાનું કહેતાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, કોર્ટ રૂમની બહાર જઇને ફોન સ્વીચ ઓન કરો અને ઘરે ફોન કરીને જાણ કરી દો કે આજે તમને ઘરે નહીં આવો કારણ કે કોર્ટના આદેશના તિરસ્કાર બદલ અમે તમને જેલમાં મોકલી રહ્યા છીએ.
ચીફ જસ્ટિસના તેવરથી સોપો પડી ગયો હતો. રાજ્ય સરકારના વકીલે અધિકારીની વહારે આવીને એક સપ્તાહમાં ચૂકવણીની ખાતરી આપતા કોર્ટે અધિકારીને જવા દીધા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)