ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ? ધરતીપુત્રોમાં આનંદ
વાપીમાં વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. બીજી તરફ વરસાદ આવતા જ ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ છે. વાપીમાં વરસાદને પગલે સવારે કામ-ધંધે જતાં લોકો છતરી-રેઇન કોટ સાથે નજરે પડ્યા હતા.
વલસાડઃ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 11થી 13 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બધાની વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. વાપીમાં વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. બીજી તરફ વરસાદ આવતા જ ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ છે. વાપીમાં વરસાદને પગલે સવારે કામ-ધંધે જતાં લોકો છતરી-રેઇન કોટ સાથે નજરે પડ્યા હતા. રસ્તા પર પાણી ભરાતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
સૌરાષ્ટ્રમાં 12 અને 13 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં 12 જુલાઈ પછી અતિભારે વરસાદ વરસી શકે છે. ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લામાં વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.
12 જુલાઈએ રથયાત્રાના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં જામશે વરસાદી માહોલ. 11 જુલાઈએ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આ વર્ષે માત્ર 14 .64 ટકા વરસાદ વરસ્યો છે.
આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પાણીની સંભવિત તંગીને જોતાં રાજકોટના કલેક્ટર દ્વારા 7થી 8 વિભાગોની બેઠક યોજવામાં આવી હતી.
ગુજરાતમાં હાલ 36% વરસાદની ઘટ છે. જેમાં સૌથી વધુ ઘટ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. પરંતુ તે સામાન્ય વરસાદથી દૂર થઈ શકે તેમ નથી. ગુજરાતમાં ખરીફ વાવેતરના છેલ્લા ત્રણ વરસની સરેરાશમાં કુલ ૧૫,૮૮,૧૨૪ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થાય છે. જેમાં આ વરસે અત્યાર સુધીમાં ૫,૨૩,૨૫૩ હેક્ટરમાં વાવેતર થઈ ચુક્યું છે. જેમાં સૌથી વધુ વાવેતર મગફળીનું ૧,૮૦,૬૮૩ હેક્ટરમાં અને બીજા ક્રમે કપાસનું વાવેતર ૧,૨૮,૯૦૮ હેક્ટરમાં થયું છે.
વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં પાંચ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં થયેલું વાવેતર સુકાવાનો ભય ઉભો થયો છે. અત્યાર સુધીમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૧૩ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સિઝનનો સરેરાશ વરસાદ ૧૩ ટકા જેટલો જ છે.
ગુજરાતમાં 25.02 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજ્યમાં 207 જળાશયોમાં 39.10 ટકા જળ વધ્યું છે. તેમાં પણ સરદાર સરોવર ડેમમાં 42.18 ટકા જળ સંગ્રહ થયેલો છે.