(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat New Cabinet: ભૂપેન્દ્ર પટેલનાં મંત્રીમંડળની આજે બપોરે 1.30 વાગ્યે યોજાશે શપથવિધિ
રૂપાણી મંત્રીમંડળમાં સામેલ અનેક મંત્રીઓના કપાશે પત્તા.
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, નવા મંત્રીમંડળની આજે બપોરે દોઢ વાગ્યે શપથવિધિ યોજાશે. જો કે, શપથવિધિને લઈ બુધવારે દિવસભર નાટકીય ઘટનાક્રમ ચાલ્યો હતો. રાજભવન ખાતે જ નવા મંત્રીમંડળની શપથવિધિના પોસ્ટર લગાવી દેવાયા હતા. જેમાં શપથવિધિ સમારોહની તારીખ 15 સપ્ટેમ્બર એટલે કે બુધવારની દર્શાવાઈ હતી.
જો કે, છેલ્લી ઘડીએ આવી ખબર કે શપથવિધિ એક દિવસ માટે ટળી છે અને હવે 16 તારીખ એટલે કે, આજે શપથવિધિ યોજાશે. આ ખબર આવતા જ તુરંત બેનર હટાવી દેવાયા હતા. તો ભુપેંદ્ર પટેલનું મંત્રીમંડળમાં નો-રિપીટ થિયરીનો અમલ કરાશે.
મતલબ કે, રૂપાણી મંત્રીમંડળમાં સામેલ અનેક મંત્રીઓના કપાશે પત્તા. નો-રિપીટ થિયરીનો અમલ થવાની વાત ઉડતાં જ અનેક મંત્રીઓના હોશ પણ ઉડી ગયા હતા. કેટલાક સિનિયર મંત્રીની નારાજગીનો રેલો તો છેક દિલ્લી સુધી પહોંચ્યો હતો.
તો નવા મંત્રીમંડળની રચનાને લઈ સવારથી જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ચહલપહલ રહી હતી. અનેક ધારાસભ્યો મળવા પહોંચ્યા સી. આર. પાટિલને.. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો તો એક સાથે પાટિલને મળવા પહોંચ્યા હતા.
રાજભવન ખાતે જ્યાં મુખ્યમંત્રીએ શપથ લીધા હતા, ત્યાં જ શપથ લેવાશે. શપથવિધિ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શપથવિધિમાં મંત્રીઓને આવકારવા માટે ફૂલના હાર આવી ગયા છે. તેમજ મહેમાનો માટે ખુરશીઓ પણ આવી પહોંચી છે. તેમજ તેમના બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
હવે મંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. ત્યારે છેલ્લી ઘડીઓ ધારાસભ્યો દ્વારા લોબિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, હવે નામોમાં ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારે જેમના નામ મંત્રી તરીકે પાક્કા માનવામાં આવી રહ્યા છે. તેવા ત્રણ નામ સામે આવી રહ્યા છે. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, હર્ષ સંઘવી અને સંતરામપુરના ધારાસભ્ય હર્ષ સંઘવીનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ સિવાય જીતુ વાઘાણીની પણ મંત્રીમંડળમાં એન્ટ્રી થઈ શકે છે. મહીસાગર જિલ્લાની સંતરામપુર બેઠકના ધારાસભ્ય પ્રો. કુબેર ડીંડોર મંત્રી પદના દાવેદાર છે. તેઓ આદિવાસી સમાજ નું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે જવાબદારી મળશે તો સમાજના ઉત્થાન માટે કામગીરી કરવાની તૈયારી બતાવી હતી.