Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદથી કેટલા રસ્તા છે બંધ ? જૂનાગઢમાં સૌથી વધુ
Road Closed: જૂનાગઢમાં સૌથી વધુ 10 રસ્તાઓ બંધ છે. રાજકોટમા બે હાઈવે બંધ છે અને કચ્છમાં એક નેશનલ હાઈવે બંધ છે.
Gujarat Rain: રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
51 રસ્તા છે બંધ
રાજ્યમાં ભારે ભારે વરસાદને લઈ 51 રસ્તા બંધ છે. જેમાં પંચાયત હસ્તકના 34 રસ્તાઓ બંધ છે. જૂનાગઢમાં સૌથી વધુ 10 રસ્તાઓ બંધ છે. રાજકોટમા બે હાઈવે બંધ છે અને કચ્છમાં એક નેશનલ હાઈવે બંધ છે.
માણસામાં ફાટ્યું આભ
ગાંધીનગરના માણસામાં આભ ફાટ્યું હોય તેમ છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. APMC અને શાકમાર્કેટમાં પાણી ભરાયા છે. GIDC, જકાતનાકા, માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. આંબલી ખાઈ તળાવ છલોછલ થતા આસપાસના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. માણસા તાલુકાના ઈટાદરા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે. વરસાદ ફરીથી શરૂ થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. પાણી ઉતરે તે પહેલાં જ વરસાદ શરૂ થતા ચિંતા વધી છે. ઈટાદરા ગામના અવરજવરના રસ્તાઓ જળમગ્ન થયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
મહીસાગરમાં ભારે વરસાદ
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મહીસાગરના લુણાવાડામાં આભ ફાટતા છેલ્લા બે કલાકમાં અઢીં ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ગાંધીનગરના માણસામાં 8 કલાકમાં છ ઈંચ વરસાદથી જળબંબાકાર થયું હતું. GIDC, જકાતનાકા અને માર્કેટ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. મહીસાગરના લુણાવાડા શહેરમાં વરસેલા વરસાદથી ડુંગર પરથી પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે. પાણીના પ્રવાહમાં માટીની સાથે પથ્થરો પણ નીચે તણાઇ આવ્યા હતા. લુણાવાડા શહેરના બજારો બેટમાં ફેરવાયા હતા.
આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પાટણના સાંતલપુરમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં છ ઈંચ અને ગાંધીનગરના માણસમાં છ ઈંચ વરસાદ પડ્યો છે. 13 તાલુકામાં દોઢ ઈંચથી વધુ અને 30 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
Join Our Official Telegram Channel: