Gujarat Rain Updates: છોટા ઉદેપુરના બોડેલીમાં બે કલાકમાં જ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
વલસાડ અને આસપાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે
LIVE
Background
વલસાડ અને આસપાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે, વલસાડના કાશ્મીરાનગરમાં એનડીઆરએફની ટીમ હાલ ઉતારવી પડી છે. સતત વધતા જતા પાણીમાં NDRFની ટીમ પોતાની બોટ લઈને ઊતરી છે અને લોકોની ઘરવખરી કાઢવામાં મદદરૂપ થઈ રહી છે. તો બીજી તરફ જે લોકો હાલ નીકળ્યા નહોતા એટલે કે નીકળવા માંગતા નહોતા તેઓને પણ હવે એનડીઆરએફની ટીમ બહાર કાઢી રહી છે જેથી કરીને કોઈ મોટી નુકસાની કે હોનારત ન થાય. આ સાથે એનડીઆરએફની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને લોકોને બહાર કાઢવાની કવાયત ચાલી રહી છે.
નવસારીમાં નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઇ સાત મહિલાઓ
નવસારી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસતા તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ ઉભી થઈ છે.. નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે.. તો મોરલી ગામ નદી કિનારે ઘાસ કાપવા ગયેલી સાત મહિલાઓ નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી. સાત મહિલાઓ ફસાયાના સમાચાર મળતા જ સ્થાનિક યુવાનોએ મહિલાનો બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતુ અને નાવડીઓની મદદથી સ્થાનિક યુવાનોએ સાતેય મહિલાઓને બચાવી લીધી હતી.
નવસારીમાં કાવેરી નદી બે કાંઠે
નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદને લઈને કાવેરી નદી બે કાંઠે વહી રહી છે. કાવેરી નદીમાં પાણીની ભરપૂર આવક થતા ચેકડેમોમાં પણ પાણીની આવક થઈ રહી છે. ભીનાર ગામે આવેલ ચેકડેમ ઓવરફ્લો થયો છે. નદીના પટ પર આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. સાથે જ નદી કિનારાના સ્મશાન ગૃહો પણ પાણીમાં ગરકાવ થયા છે. જો કે હાલ તો પ્રશાસન નદીની સપાટી પર નજર રાખી રહ્યું છે.
નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે અંબિકા, કાવેરી સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. નદીમાં પાણીની ભારે આવકના કારણે ચીખલી તાલુકાના પ્રતાપ નગર ગામનું સ્મશાન પાણીમાં ગરકાવ થઇ ગયું છે.
છોટાઉદેપુરમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
છોટા ઉદેપુરના બોડેલીમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બોડેલીમાં બે કલાકમાં જ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રજાનગર, દીવાન ફળિયામાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
વલસાડના તળિયાવાળ વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા છે. જેના કારણે લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. પ્રશાસને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી છે. લોકોના ઘરોમાં પાણી પ્રવેશતા ઘરવખરીને પણ નુક્સાન થયું છે. તો આ તરફ વલસાડના છીપવાડા વિસ્તારમાં પણ પાણી ભરાયા.ઔરંગા નદીનું પાણી ઓવરફ્લો થતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. દાણાબજારમાં પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
NDRFના જવાનો લોકોને મકાનોમાંથી બહાર નીકાળી સલામત સ્થળે લઈને જઈ રહ્યા છે. સાથે જ NDRFની ટીમ આસપાસના નિચાણવાળા વિસ્તારોમાં પણ સતત મોનિટરિંગ કરી રહી છે અને જિલ્લા ક્લેક્ટરે પણ શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી.