Gujarat Rain: ગુજરાત માટે 48 કલાક અતિભારે, સૌરાષ્ટ્રથી લઈ અમદાવાદ-ગાંધીનગર સુધી મેઘરાજા કરશે તોફાની બેટિંગ
Gujarat Rain: ગુજરાતના અલગ અલગ જિલ્લામાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે હજુ ગુજરાત માટે 48 કલાક અતિ ભારે હોવાની આગાહી કરી છે

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. અષાઢ મહિનાની શરૂઆતમાં જ ચોમાસાનો સિઝનનો લગભગ 40 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં દક્ષિણથી લઇને ઉત્તર સુધી અને સૌરાષ્ટ્રથી લઇને મધ્ય ગુજરાત સુધી મોટાભાગના ડેમો અને નદી-નાળા છલકાઇ ગયા છે. હવે આ બધાની વચ્ચે આગામી 48 કલાકને લઇને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. ગુજરાત માટે 48 કલાક અતિભારે છે, સૌરાષ્ટ્રથી લઈ અમદાવાદ-ગાંધીનગર સુધી મેઘરાજા તોફાની બેટિંગ કરશે.
આગામી 48 કલાક અતિ ભારે
આ ચોમાસામાં મેઘરાજાએ આખા ગુજરાતને શરૂઆતથી જ ઘમરોળી નાંખ્યુ છે, જુલાઇ મહિનાના હજુ તો માત્ર 6 દિવસથી જ ત્યાં છે. ત્યાં 40 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે. અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે હજુ ગુજરાત માટે 48 કલાક અતિ ભારે હોવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 48 કલાક અતિ ભારે વરસાદ થઈ શકે છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ થવાની આગાહી છે. આગામી 5 દિવાસળી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે માહિતી આપી છે કે 45 થી 55 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. તો અમદાવાદ અને ગાંધીનગર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શકયતા દર્શાવી છે.
મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ખુબ જ તોફાની બેટિંગ કરી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ હાલ તરબોળ જોવા મળી રહ્યા છે..જળબંબાકાર જોવા મળી રહ્યા છે. જો કે માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હાલ મુશળધાર મહેર થઇ રહી છે અને હજુ તો આગામી 7 દિવસ સુધી આવી રીતે જ ગુજરાતને મેઘરાજા બાનમાં લેશે.
કચ્છના નખત્રાણામાં ભારે વરસાદ ખાબક્યો
કચ્છના નખત્રાણાના મોડી રાત્રિ દરમિયાન 5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. સવારના 4 થી 6 માં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદથી નખત્રાણા પાણી પાણી થયું હતું. તાલુકાના ગ્રામ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નખત્રાણાની બજારો નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નખત્રાણા-ભૂજ સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. ભારે વરસાદના પગલે નખત્રાણાની કેટલીક ખાનગી શાળાઓએ સલામતીના ભાગરૂપે આજે રજા જાહેર કરી હતી.





















