(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain: ભારે વરસાદને પગલે જાણો ગુજરાતના કયા કયા ડેમ થયા ઓવરફ્લો, સૌરાષ્ટ્રના 31 ડેમની જળસપાટી વધી
Gujarat Rain: રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે.
Gujarat Rain: રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. તો બીજી તરફ કેટલાક ડેમ ભારે પાણીની આવકના પગલે ઓવરફ્લો પણ થયા છે.
બનાસકાંઠામાં વરસાદી માહોલ
બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે અમીરગઢના જાસોર કેદારનાથ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. પહાડી વિસ્તારમાં વધુ વરસાદ પડતાં પાણીના ઝરણાં વહેતા થયા છે. કેદારનાથનો જેસોર ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ફોફળ ડેમ ઓવરફ્લો
રાજકોટ જિલ્લાના જામકંડોરણાના દૂધીવદર ગામ નજીક આવેલ ફોફળ ડેમ ઓવરફ્લો થયો છે. દુધીવદર ગામ પાસેની નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસના વિસ્તારો અનિરા વાછરા સહિતના ગામડાઓમાં સારા વરસાદને લઈને પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે. ધોરાજી શહેર તેમજ જામકંડોરણા તાલુકાના ગામને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. ડેમ કાંઠા વિસ્તારના રાયડી, તરવડા,ઇશ્વરીયા,દૂધીવદર,વેગડી ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ તાકીદ કરી છે.
મોજ ડેમ ઓવરફ્લો
ઉપલેટામાં મોજ ડેમ ઓવરફ્લો થતા તેમના પાણી મોજ નદી ઉપર આવેલ ક્રોજ વે ઉપર ફરી વળ્યા છે. મોજ નદીના પાણી ક્રોજ વે ઉપર ફરી વળતા મસ મોટા ગાબડા પડ્યા છે. ગાબડાં પડવાને કારણે ગઢાળા ગામનો રસ્તો વાહન ચાલકો માટે બંધ થઈ ગયો છે. પૂર્વ સરપંચ દ્વારા નવો ક્રોજ વે બનાવવા માગણી કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા માત્ર માટી નાખી ગાબડા બુરી દેવાયા હતા. પૂર્વ સરપંચ દ્વારા માટીની જગ્યાએ પાકો રસ્તો કરવા માંગ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના 31 ડેમમાં નવા નીર આવ્યા
સૌરાષ્ટ્રમાં સારા વરસાદને લઈને અલગ અલગ ડેમોમાં પાણીની આવક થઈ છે. સૌરાષ્ટ્રના 31 ડેમમાં ત્રણ ફૂટ સુધી નવા નિરની આવક થઈ છે. પ્રથમ વરસાદે જ મોટાભાગના ડેમોમાં મોટા પ્રમાણમાં આવક થઈ છે. પ્રથમ વરસાદમાં જ પીવાના પાણીની અને સિંચાઈની સમસ્યા હળવી બની છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ ભાદરમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. રાજકોટના ભાદર એક ડેમમાં અડધો ફૂટ પાણીની આવક થઈ છે. ભાદર ડેમની સપાટી 20 ફૂટને પાર પહોંચી છે. ન્યારી-1,ન્યારી-2 માં પણ પાણીની આવક થઈ છે.
નર્મદા ડેમની સપાટીમાં વધારો
તો બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમનાં ઉપરવાસમાં પાણીની સારી આવકમાં વધારો થતાં નર્મદા ડેમે 122.84 મીટરની સપાટી વટાવી છે. જેનાં પગલે નર્મદા ડેમની જળ સપાટીમા 24 કલાકમાં 38 સે.મીનો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાના પગલે ઇન્દિરા સાગર અને તવા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. ત્યારે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 23,303 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના કારણે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આજે સરદાર સરોવર નર્મદા ડેમની જે જળ સપાટી 122.84 મીટરે પહોંચી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial