Gujarat Rain: ભારે વરસાદના કારણે આ જિલ્લાની તમામ શાળાઓમાં બે દિવસ રજા જાહેર કરાઇ, જાણો
જુનાગઢ જિલ્લાના ભારે વરસાદના કારણે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં બે દિવસ માટે રજાઓ જાહેર કરવામાં આવી છે.
Rain: ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ વરસાદે રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે, ચારેય બાજુ મેઘો મન મુકીને વરસી રહ્યો છે, આ કારણે આ વરસાદ આફતનો વરસાદ બની ગયો છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર તબાહી મચી રહી છે. આ બધાની વચ્ચે આજે જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ જતાં શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, જુનાગઢ જિલ્લાના ભારે વરસાદના કારણે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં બે દિવસ માટે રજાઓ જાહેર કરવામાં આવી છે. જિલ્લામાં અતિ ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળાઓમાં રજાઓ માટેનો પરિપત્ર જાહેર કર્યો છે. જોકે, આ રજાઓ માત્ર વિદ્યાર્થીઓ પુરતી જ રહેશે, શાળાના આચાર્ય અને શિક્ષક સહિતના સ્ટાફે શાળામાં ફરજ રહેવું ફરજિયાત છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જુનાગઢમાં વરસી રહેલા અનરાધાર વરસાદે તબાહી મચાવી દીધી છે. જિલ્લાના નદી-નાળા અને તળાવો ફૂલ થઇ ગયા છે. જુનાગઢના ઓઝત વિયર ડેમ વંથલીમા પણ નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમોમાં પાણીની આવક બમણી થઇ છે અને ડેમ છલકાયા છે. ભારે વરસાદથી જિલ્લાના નીચાણ વાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યુ છે.
જૂનાગઢ જિલ્લામા અનરાધાર વરસાદ
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. કેશોદ અને માણાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેશોદના મુખ્ય બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કેશોદના બજારમાં બે ફૂટ સુધીના પાણી ભરાયા હતા. અમૃતનગર, યોગી નગર વિસ્તારમાં પાણી ભરાયા હતા
માણાવદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વડાળા, નાનડીયા, સીતાણા, ભીતાણા લાગંડ, ઇન્દ્રાણા, પાદરડી સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ-કેશોદ હાઈવે પર ખેતરોમાં બેટમાં ફેરવાયા હતા. મગફળી સહિતના પાકને નુક્સાન પહોંચે તેવી સંભાવના છે.
ગીર સોમનાથ ના દરિયા કાઠામાં બારે મેઘ ખાંગા થયા હતા. કોડીનાર ઉનાના દરિયા કાઠાના ગામોમાં આભ ફાટ્યું હતું. બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ગામડાના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
માણાવદરના સીતાણામાં પણ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.કપાસ, મગફળી સહિતના પાકને નુક્સાન થયું છે.પોરબંદર જિલ્લામાં પણ મેઘ મહેર યથાવત છે. 24 કલાકમાં કુતિયાણામાં સાડા 7 ઈંચ વરસાદ વરસતા ઘેડ પંથકમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી પાણી ભરાયા છે. માંગરોળ પંથકમાં પણ ભારે વરસાદના કારણે ખેતરો જળમગ્ન બની ગયા છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે.
હવામાન વિભાગે આજે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. બંને રાજ્યોમાં ઓરેન્જ એલર્ટના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર આગામી સમયમાં પણ ગુજરાત પર વરસાદનું સંકટ યથાવત રહેશે. 23 તારીખ સુધી સૌરાષ્ટ્રના જુદા જદા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસશે. 24 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 4 ઇંચથી 10 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હજુ કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની સ્થિતિ સર્જાઈ શકે છે. 27 જુલાઈથી પણ વરસાદનો અન્ય રાઉન્ડ શરૂ થશે જે ગુજરાતમાં ઓગસ્ટના મધ્ય સુધી વરસાદ લાવશે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial