Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
Gujarat RERA rule: પ્રોપર્ટી ખરીદનારાઓ માટે રાહત: હવે એક સ્કેનથી મળશે પ્રોજેક્ટની કુંડળી, બાંધકામ સાઈટ પર વિગતો સાથેનું બેનર નહીં હોય તો થશે દંડ.

Gujarat RERA rule: ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA) એ મિલકત ખરીદનારા સામાન્ય નાગરિકોના હિતમાં એક ઐતિહાસિક અને કડક નિર્ણય લીધો છે. આજથી એટલે કે 1 December થી રાજ્યની તમામ બાંધકામ સાઈટ્સ પર ડેવલપર્સ અને બિલ્ડરો માટે પ્રોજેક્ટની વિગતો દર્શાવતું બોર્ડ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ બોર્ડમાં એક QR Code (ક્વિક રિસ્પોન્સ કોડ) હોવો આવશ્યક છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ પારદર્શિતા લાવવાનો છે, જેથી ગ્રાહકો માત્ર મોબાઈલ સ્કેન કરીને પ્રોજેક્ટની કાયદેસરતા અને વિગતો જાણી શકે. નિયમનું પાલન ન કરનાર બિલ્ડરો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.
બિલ્ડરોએ સાઈટ પર શું લગાવવું પડશે?
રેરાના નવા આદેશ મુજબ, દરેક પ્રોજેક્ટ સાઈટના મુખ્ય પ્રવેશદ્વાર પર અથવા રસ્તા પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવું એક ડિસ્પ્લે બોર્ડ અથવા બેનર લગાવવાનું રહેશે. આ બોર્ડનું બેકગ્રાઉન્ડ સફેદ અથવા પીળા રંગનું હોવું જોઈએ અને તે વોટરપ્રૂફ મટિરિયલનું બનેલું હોવું ફરજિયાત છે. આનો હેતુ એ છે કે પ્રોપર્ટી ખરીદવા આવતા ગ્રાહકોને સ્થળ પર જ પ્રોજેક્ટની સાચી અને સચોટ માહિતી મળી રહે.
બોર્ડની સાઈઝ અને લખાણના નિયમો
સત્તામંડળે બોર્ડના માપદંડો પણ નક્કી કર્યા છે, જેનું પાલન કરવું અનિવાર્ય છે:
બોર્ડની સાઈઝ: બેનરની લઘુત્તમ પહોળાઈ 1.20 મીટર અને ઊંચાઈ 2 મીટર હોવી જોઈએ. તે જમીનથી 1.50 થી 2 મીટરની ઊંચાઈએ લગાવવાનું રહેશે.
અક્ષરોનું માપ: માહિતી સ્પષ્ટ વંચાય તે માટે અક્ષરોની ઊંચાઈ ઓછામાં ઓછી 2.50 સે.મી. રાખવી પડશે.
લાલ રંગનો ઉપયોગ: રેરા રજિસ્ટ્રેશન નંબર અને પ્રોજેક્ટના કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો ફરજિયાતપણે 'લાલ રંગ' થી દર્શાવવાની રહેશે, જેથી ગ્રાહકોનું ધ્યાન તરત જાય.
QR કોડ: પારદર્શિતાની ચાવી
નવા નિયમની સૌથી મહત્વની બાબત QR Code છે. બોર્ડ પર ઓછામાં ઓછો 15 cm X 15 cm સાઈઝનો ક્યૂઆર કોડ લગાવવો પડશે. આ કોડ એટલો સ્પષ્ટ હોવો જોઈએ કે કોઈપણ વ્યક્તિ પોતાના સ્માર્ટફોનથી તેને સરળતાથી સ્કેન કરી શકે. કોડ સ્કેન કરતાની સાથે જ ગ્રાહક સીધા રેરાની વેબસાઈટ પર પહોંચી જશે, જ્યાં તેમને પ્રોજેક્ટ પ્લાન, લેઆઉટ, મંજૂરીઓ અને એમેનીટીઝની સત્તાવાર વિગતો જોવા મળશે.
જિયો ટેગિંગ અને રિપોર્ટિંગ
જવાબદેહી વધારવા માટે રેરાએ એક વધુ સુરક્ષા ચક્ર ઉમેર્યું છે. બિલ્ડરોએ માત્ર બોર્ડ લગાવીને સંતોષ માનવાનો નથી, પરંતુ તે બોર્ડનો જિયો ટેગ (Geo tagged) વાળો ફોટોગ્રાફ પણ લેવાનો રહેશે. આ ફોટોગ્રાફ ડેવલપરે દર 3 મહિને રેરામાં સબમિટ કરવામાં આવતા 'ક્વાર્ટરલી પ્રોગ્રેસ રિપોર્ટ' (QPR/OPR) માં અપલોડ કરવો ફરજિયાત રહેશે. આનાથી એ સુનિશ્ચિત થશે કે સાઈટ પર ખરેખર નિયમોનું પાલન થઈ રહ્યું છે.
ગ્રાહકોને છેતરપિંડીથી રક્ષણ
આ નિર્ણયથી પ્રોપર્ટી માર્કેટમાં ક્રાંતિકારી બદલાવ આવશે. ગ્રાહકોને હવે પ્રોજેક્ટની લોન વિગતો, બાંધકામની ગુણવત્તા અને સુવિધાઓ વિશે સાચી માહિતી મળશે. ઘણીવાર બિલ્ડરો ગ્રાહકોને ખોટી માહિતી આપીને ફસાવતા હોય છે, જેના પર હવે બ્રેક લાગશે. રિયલ એસ્ટેટ એક્ટ 2016 ના ઉદ્દેશ્ય મુજબ ગ્રાહક સુરક્ષા વધુ મજબૂત બનશે.





















