Gujarat Weather Update: રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાનમાં નહીં થાય કોઈ ફેરફાર, જાણો ખેડૂતો માટે શું છે રાહતના સમાચાર
હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. ખેડૂતો માટે રાહતની વાત એ છે કે, આગામી પાંચ દિવસ માવઠાની કોઈ શક્યતા નથી
Gujarat Weather: હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. ખેડૂતો માટે રાહતની વાત એ છે કે, આગામી પાંચ દિવસ માવઠાની કોઈ શક્યતા નથી. પરંતુ ભૂજમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચી ગયો છે. તો અમરેલી અને કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અડધો એપ્રિલ માસ વીતવા આવ્યો છે, કમોસમી વરસાદ બાદ હવે ગરમીએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. કાળઝાળ ગરમીની સાથે-સાથે દિવસ દરમિયાન બહાર નીકળતી વખતે પવનના ઝાપટાનો સામનો કરવો પડે છે. ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે હીટ વેવની આગાહી કરી છે. મધ્ય અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાયું છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આ વિસ્તારોમાં ગરમીનું મોજું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14-17 એપ્રિલની વચ્ચે ગંગાને અડીને આવેલા પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે. બિહારમાં 15-17 એપ્રિલ દરમિયાન ગરમીનું મોજું ચાલુ રહી શકે છે. હવામાન વિભાગ (IMD) એ આ અઠવાડિયે દેશના ઘણા ભાગોમાં દિવસના તાપમાનમાં ધીમે ધીમે 3-5 ડિગ્રી સેલ્સિયસના વધારાની આગાહી કરી છે.
શું છે હીટવેટ
ભારતીય હવામાન વિભાગ જ્યારે સ્થાનિક તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરે છે અને તે પ્રદેશના સામાન્ય તાપમાન કરતાં 5 °C થી 6 °C વધી જાય છે ત્યારે હીટ વેવ જાહેર કરે છે.
આ રાજ્યોમાં વરસાદ
સ્કાયમેટ વેધર અનુસાર, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને મરાઠવાડાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 એપ્રિલથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે, જેના કારણે આગામી બે દિવસમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ પડી શકે છે.